નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં થઇ રહેલી સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી છે. અલબત કોરોના સંક્રમણને કારણે આ વખતે સરેરાશ કરતા ઘણી ઓછી ટ્રેનો ચાલી રહી છે. માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચાલી રહી છે.
ધુમ્મસની સમસ્યાને કારણે આ વખતે રેલવે વિભાગે આજે 16થી 31 ડિસેમ્બર સુધી 34 ટ્રેનોનું સંચાલન બંધ કરવાનો નિર્ણય લીધો છે ઉપરાંત 26 ટ્રેનોની ફિક્વન્સી ઘટાડવામાં આવશે અને 4 ટ્રેનો હંગામી ધોરણે બંધ કરવામાં આવશે. આ ટ્રેનો કેન્સલ થવાથી પેસેન્જરોને મુશ્કેલી પડી શકે છે.
કઇ-કઇ ટ્રેનો થઇ કેન્સલ
ધુમ્મસને ધ્યાનમાં રાખતા 16થી 31 ડિસેમ્બર દરમિયાન જે 34 ટ્રેનો રદ કરાઇ છે, તેમાં આનંદ વિહાર-સીતામઢી, આનંદ વિહાર-દાનાપુર, દિલ્હી જંક્શન- માલદા ટાઉન, આનંદ વિહાર કામાખ્યા, દિલ્હી જંક્શન- અલીપુરદ્વાર, નવી દિલ્હી- ન્યુ જલપાઇગુડી, દિલ્હી જંક્શન- કટિહાર સ્પેશિયલ સામેલ છે. તે ઉપરાંત અમૃતસર-હરિદ્વાર, અમૃતસર – જયનગર, કલકત્તા- અમૃતસર, અમૃતર-ડિબ્રુગઢ, અમૃતસર- અજમેર, સ્પેશિયલ જેવી ઘણી ટ્રેનો 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.
ઉપરાંત જે ટ્રેનોની ફિક્વન્સી ઘટાડવામાં આવશે, જેમાં દરરોજ દોડતી દિલ્હી-આઝમગઢ એક્સપ્રેસ હવે સપ્તાહમાં બે દિવસ જ દોડશે, તો 6 દિવસ દોડતી કાનપુર-નવી દિલ્હી સ્પેશિયલ હવે સપ્તાહમાં માત્ર 3 દિવસ દોડશે.
આવી જ રીતે ગયા અને નવ દિલ્હી વચ્ચે દરરોજ દોડતી ટ્રેન પણ સપ્તાહમાં 3 દિવસ જ ચાલશે જ્યારે આનંદ વિહારથી દરરોજ ભાગલપુર જતી ટ્રેન પણ સપ્તાહમાં માત્ર બે દિવસ જ ચાલશે. નવી દિલ્હી-રાજેન્દ્ર નગર, નવી દિલ્હી-જયનગર, આનંદ વિહાર- રક્સૌલ, નવી દિલ્હી- સહરસા, આનંદ વિહાર- મુઝફ્ફરપુર, નવી દિલ્હી- રાજગીર અને આનંદ વિહારથી ગોરખપુર વચ્ચે દોડતી ટ્રેનોની ફિક્વન્સી ઘટાડવામાં આવી છે. રેલવેના અધિકારીઓએ કહ્યુ કે આગામી દિવસોમાં ધુમમ્સ ની સ્થિતિ અને ટ્રેનોના સંચાલન પર થનારી અસરોને ધ્યાનમાં રાખતા હજી વધુ કેટલીક ટ્રેનો કેન્સલ થવાની શક્યતા છે અથવા તો આંશિક રીતે સંચાલન બંધ કરવામા આવી શકે છે.