નવી દિલ્હીઃ દેશમાં ઓક્ટોબરથી શરૂ થયેલી નવી પિલાણ સીઝનમાં 15 ડિસેમ્બર 2020 સુધી ખાંડનુ કુલ ઉત્પાદન વાર્ષિક તુલનાએ 61 ટકા વધીને 73.77 લાખ ટને પહોંચી ગયુ છે જે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 45.81 લાખ ટન નોંધાયુ હતુ. આવી રીતે ચાલુ સીઝનમાં અત્યાર સુધી દેશમાં ખાંડના ઉત્પાદનમાં 27.96 લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)નું કહેવુ છે કે, શેરડીનું વધારે ઉત્પાદન અને મહારાષ્ટ્રમાં સુગર મિલોમાં શેરડીના પિલાણની કામગીરી વહેલી શરૂ થવાથી ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન વધ્યુ છે.
ઇસ્માના આંકડા મુજબ નવી સુગર સીઝન દરમિયાન દેશમાં 15 ડિસેમ્બર સુધી 460 સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધી 412 મિલોમાં શેરડીનું પિલાણ થઇ રહ્યુ હતુ.
ઇસ્માના આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં 15 ડિસેમ્બર 2020 સુધી 22.60 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં આ ઉત્પાદન 21.25 લાખ ટન હતુ. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ચાલુ સીઝનમાં 173 સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલી સીઝનમાં સમાન સમયગાળા સુધીમાં 124 સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી 26.96 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધી 7.66 લાખ ટન હતુ. કર્ણાટકમાં 64 ખાંડ મિલો ચાલી રહી છે તેમજ 16.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જયારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 10.62 લાખ ટન ઉત્પાદન નોંધાયુ હતુ.
સુત્રોના જણાવ્યા મુજબ 1લી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી સીઝનમાં અત્યાર સુધી લગભગ અઢીથી 3 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે સુગર સીઝન 2020-21 દરમિયાન 60લાખ ટન ખાંડની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગઇકાલ બુધવારે 3500 કોડ રૂપિયાની નિકાસ સબસિડીની જાહેરાત કરી છે. આ નિકાસ સબસિડીનો લાભ ખેડૂતોને પણ મળશે અને તેની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. નોંધનિય છે કે, હાલ દેશમાં ખાંડના ભાવ તેની બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.