પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલ કેબિનેટ બેઠમાં એક મોટો નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારે પડોશી રાજ્યોની જેમ મોટર વ્હિકલના નવા મોડલો, એલપીજી કે સીએનજી કિટોને મંજૂરી અને ઇલેક્ટ્રિક વ્હિકલોના રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી વસૂલવાનો નિર્ણય લીધો છે.
મતલબ કે સીએનજી, એલપીજી કિટો અને ઇલેક્ટ્રિક વ્હિકલના રજિસ્ટ્રેશન માટે હવે તમારે ફી ચૂકવવી પડશે, નોંધનીય છે કે સરકારે પ્રોસેસિંગ ફી 5000 રૂપિયા નક્કી કરી છે.
અધિકૃત ડિલરોએ આપવી પડશે પ્રોસેસિંગ ફી
કેબિનેટે પડોશી રાજ્ય હરિયાણાની જેમ પંજાબ મોટર વ્હિકલ એક્ટ-1989ની કલમ 130ની સાથે કલમ-130એ ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. તેની સાથે હવે મોટર વાહન બનાવતી કંપનીઓ કે તેમના દ્વારા નિમાયેલ ડિલરો પાસેથી પંજાબમાં મોટર વાહનોના નવા મોડલો કે તેનના અલગ વેરિયન્ટ કે એલપીજી કે સીએનજી કિટો કે ઇલેક્ટ્રિક વ્હિકલના રજિસ્ટ્રેશન માટે મંજૂરી આપવા બદલ પ્રોસેસિંગ ફી પેટે 5000 રૂપિયા ફી વસૂલવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની આવકમાં તો વધારો થશે તેની સાથે કઇ કંપની દ્વારા કેટલી સીએનજી અને એલપીજી કિટો વાહનોમાં ફિટ કરાઇ અને કેટલા ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન થયુ તેની માહિતી પણ મળશે.
આ રાજ્યો પણ વસૂલે છે આવી ફી
નોંધનિય છે કે, અત્યાર સુધી પંજાબ સરકાર દ્વારા રાજ્યમાં વ્હિકલ રજિસ્ટ્રેશનની મંજૂરી માટે મોટર વાહનોના ઉત્પાદકો કે તેમના અધિકૃત ડિલરો પાસેથી કોઇ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવતી ન હતી. અલબત્ત હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં કંપનીઓ અને તેમના ડીલરો પાસેથી આવા પ્રકારની ફી વસૂલવામાં આવે છે.