ટીવી અને મોબાઈલ બનશે બાળકો માટે 100% સેફ: દરેક પેરેન્ટ્સ માટે અમૃત સમાન આ 4 સેટિંગ્સ!
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી બાળકોના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. અભ્યાસથી લઈને મનોરંજન સુધી, બાળકો કલાકો સુધી સ્ક્રીન સામે વિતાવે છે. તાજેતરમાં ‘લોકલ સર્કિલ્સ’ (LocalCircles) દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર, આશરે ૩૭% વાલીઓએ સ્વીકાર્યું છે કે તેમના બાળકો સૌથી વધુ સમય વિડિયો જોવા અને પ્રાઇમ વિડિયો કે નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મ્સ પર વિતાવે છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે, મોટાભાગના ઘરોમાં આખો પરિવાર એક જ ઓટીટી એકાઉન્ટનો ઉપયોગ કરે છે. આના કારણે ઘણી વખત એવું બને છે કે જ્યારે બાળકો ટીવી કે મોબાઈલ ચાલુ કરે, ત્યારે તેમની સામે અજાણતા જ એડલ્ટ અથવા હિંસાથી ભરપૂર કન્ટેન્ટ આવી જાય છે. આ પ્રકારનું કન્ટેન્ટ બાળકના કોમળ મન પર નકારાત્મક અસર કરી શકે છે. આ ગંભીર સમસ્યાથી બચવા માટે અને તમારા બાળકને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ આપવા માટે, દરેક મુખ્ય OTT પ્લેટફોર્મમાં કેટલીક ખાસ સેટિંગ્સ બદલવી ખૂબ જ જરૂરી છે. ચાલો વિગતવાર જાણીએ કે કયા પ્લેટફોર્મ પર કઈ સેટિંગ્સ ઓન રાખવી જોઈએ.
નેટફ્લિક્સ (Netflix): ઉંમર પ્રમાણે નક્કી કરો કન્ટેન્ટ લિમિટ
નેટફ્લિક્સ દુનિયાભરમાં લોકપ્રિય છે અને તેના પર દરેક વર્ગ માટેનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે. તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે અહીં ત્રણ મહત્વના સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ:
-
કિડ્સ પ્રોફાઇલ બનાવો: સૌથી પહેલા તમારા બાળકો માટે એક અલગ પ્રોફાઇલ તૈયાર કરો. આ માટે Netflix > Manage Profiles > Add Profile પર જાઓ અને ત્યાં Kids ઓપ્શન પર ટિક કરો. આ પ્રોફાઇલ ઓપન થતાં જ બાળકને માત્ર કાર્ટૂન અને એનિમેશન જેવી સામગ્રી જ જોવા મળશે.
-
પ્રોફાઇલ લોક (PIN) ફીચર: બાળકો ઘણીવાર હોશિયાર હોય છે અને તેઓ પોતાની પ્રોફાઇલ છોડીને વાલીઓની પ્રોફાઇલ ઓપન કરી લે છે. આવું ન થાય તે માટે તમારા (એડલ્ટ) પ્રોફાઇલ પર ૪ અંકનો પિન લગાવી દો. આ માટે એકાઉન્ટ સેક્શનમાં જઈને Profile Lock નો ઓપ્શન પસંદ કરો.
-
મેચ્યોરિટી રેટિંગ સેટ કરો: એકાઉન્ટ સેટિંગ્સમાં ‘પેરેન્ટલ કંટ્રોલ્સ’ નો વિકલ્પ મળશે. અહીં તમે બાળકની ચોક્કસ ઉંમર (જેમ કે 7+, 13+ વગેરે) મુજબ કન્ટેન્ટ ફિલ્ટર સેટ કરી શકો છો, જેથી તેનાથી મોટી ઉંમરના શો ક્યારેય સ્ક્રીન પર દેખાશે નહીં.
એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video): આ ૩ સેટિંગ્સ બદલવી છે અનિવાર્ય
પ્રાઇમ વિડિયો પર પણ અઢળક ફિલ્મો અને વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જો ઘરમાં બાળકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય, તો વાલીઓએ નીચેની ત્રણ સેટિંગ્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ:
-
પેરેન્ટલ કંટ્રોલ્સ ઇનેબલ કરો: પ્રાઇમ વિડિયોના સેટિંગ્સ અથવા એકાઉન્ટ સેક્શનમાં જઈને સૌથી પહેલા પેરેન્ટલ કંટ્રોલ્સ ઓન કરો. આ ઓપ્શન ચાલુ કરવાથી કોઈપણ સંવેદનશીલ કન્ટેન્ટ પ્લે કરતા પહેલા પિન (PIN) માંગશે.
-
ખરીદી પર પ્રતિબંધ (Purchase Restrictions): ઘણી વખત પ્રાઇમ વિડિયો પર કેટલીક ફિલ્મો રેન્ટ (ભાડા) પર અથવા ખરીદવા માટે ઉપલબ્ધ હોય છે. બાળકો રમતા-રમતા ભૂલથી આવી પેઇડ ફિલ્મો ખરીદી લે છે, જેનાથી બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આનાથી બચવા માટે ‘પરચેઝ રિસ્ટ્રિક્શન’ ઓન કરો, જેથી કોઈ પણ ખરીદી પિન વગર શક્ય ન બને.
-
કન્ટેન્ટ કેટેગરી ફિલ્ટર: પ્રાઇમ વિડિયોમાં કન્ટેન્ટ રેટિંગના વિવિધ ઓપ્શન્સ જેમ કે U, U/A 13+, U/A 16+ અને A ઉપલબ્ધ છે. તમારા બાળકની ઉંમર જેટલી હોય તે મુજબની કેટેગરી લોક કરી દો, જેથી તેનાથી ઉપરનું કન્ટેન્ટ હાઇડ (છુપાઈ) થઈ જાય.
જીઓ હોટસ્ટાર (Jio Hotstar): પેરેન્ટલ લોકનો સ્માર્ટ ઉપયોગ
ભારતીય ઘરોમાં જીઓ હોટસ્ટારનો ઉપયોગ સામાન્ય રીતે બાળકોને ફેવરિટ કાર્ટૂન શો બતાવવા અથવા પુરુષોને લાઈવ ક્રિકેટ મેચ જોવા માટે થતો હોય છે. પરંતુ આ જ પ્લેટફોર્મ પર ક્રાઈમ થ્રિલર અને એડલ્ટ વેબ સિરીઝના સજેશન્સ પણ હોમ સ્ક્રીન પર આવતા રહે છે, જે બાળકો માટે યોગ્ય નથી.
-
એપ કિડ્સ મોડ (App Kids Mode): આ સમસ્યાના ઉકેલ માટે જીઓ હોટસ્ટાર એપ્લિકેશન ઓપન કરીને My Space સેક્શનમાં જાઓ. ત્યાં તમને App Kids Mode નો ઓપ્શન મળશે, તેને તરત જ ઓન કરી દો. આ મોડ એક્ટિવેટ થતાં જ આખી એપનું વાતાવરણ બાળકો અનુકૂળ થઈ જશે.
-
પેરેન્ટલ લોક એક્ટિવેટ કરો: કિડ્સ મોડ ઓન કર્યા પછી પેરેન્ટલ લોક સેટ કરવાનું ભૂલશો નહીં. આ લોક લગાવવાથી બાળક પેરેન્ટ્સના મેઈન એકાઉન્ટમાં સ્વિચ બેક એટલે કે પાછું આવી શકશે નહીં અને હોમ સ્ક્રીન પર આવતા નકામા સજેશન્સથી બચી શકશે.
યુટ્યુબ (YouTube): રિમાઇન્ડર્સ અને ફેમિલી સેન્ટર છે વરદાન
યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કન્ટેન્ટનો અખૂટ ભંડાર છે અને બાળકો સૌથી વધુ સમય અહીં જ વિતાવે છે. યુટ્યુબ પર બાળકોને ભટકતા અટકાવવા માટે ગુગલે અદ્ભુત ફીચર્સ આપ્યા છે:
-
ફેમિલી સેન્ટર (Family Center) નો ઉપયોગ: યુટ્યુબ એપની અંદર ‘ફેમિલી સેન્ટર’ નામનો એક ખાસ ઓપ્શન જોવા મળે છે. આ ફીચરની મદદથી વાલીઓ પોતાના એકાઉન્ટ સાથે બાળકનું એક અલગ એકાઉન્ટ લિંક કરી શકે છે. આનાથી બાળકને માત્ર તેની ઉંમરને યોગ્ય શૈક્ષણિક અને મનોરંજક વિડિયો જ સજેસ્ટ કરવામાં આવશે.
-
સ્ક્રીન ટાઈમ લિમિટ અને રિમાઇન્ડર્સ: યુટ્યુબમાં ‘Take a Break’ અને ‘Bedtime Reminder’ જેવા ફીચર્સ પણ છે. આ સેટિંગ્સની મદદથી તમે સમય મર્યાદા નક્કી કરી શકો છો કે બાળક દિવસમાં કેટલી મિનિટ વિડિયો જોશે. સમય પૂરો થતાં જ એપ વિડિયો રોકી દેશે અને બાળકને આરામ કરવાનું યાદ અપાવશે. આ સિવાય, નાના બાળકો માટે વાલીઓ સીધી YouTube Kids એપ પણ ડાઉનલોડ કરી શકે છે જે સંપૂર્ણપણે સેફ છે.

