રાજ્ય માં કોરોના કાળ માં થર્ટી ફસ્ટ મનાવી શકાશે નહીં અને ઠેરઠેર ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અમદાવાદ માં જો કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નજરે પડ્યો તો સીધો લોકઅપ માં પુરવા પોલીસ કટીબદ્ધ બની છે. શહેરમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે, સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહારગામ ગયું હશે તો તેમણે 9 વાગ્યા પહેલાં આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ વ્યક્તિને આખી રાત લોકઅપમાં પૂરવામાં આવશે.
ઈમરજન્સી વિના બહાર નીકળનારને જેલમાં ધકેલી દેવાશે. શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે, જ્યારે શહેરની અંદરના 250થી 300 નાકાબંધી પોઈન્ટ પર પણ પોલીસ 9 વાગ્યાથી જ તહેનાત થઇ કર્ફ્યૂનો કડક અમલ કરાવશે, સાથે જ પોલીસ હોટલ, ફાર્મ હાઉસ સહિત પર વોચ રાખશે. જો કોઈપણ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સાથે સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે, સાથે જ 9 વાગ્યા પછી જે અમદાવાદમાં પ્રવેશે અને શંકાસ્પદ જણાશે તો સીધા હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવશે. શહેરના માર્ગ પર 9 વાગ્યા બાદ કોઈપણ રસ્તા પર દેખાશે તો સીસીટીવી કેમેરાના આધારે ફોટો કેપ્ચર કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલીને કાર્યવાહી કરશે તેમજ ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.
31મીએ રાતે સીજી રોડ, એસજી હાઈવે, કાંકરિયા, રિવરફ્રન્ટ સહિતનાં સ્થળે લોકો ભેગા ન થાય એ માટે સાંજે 7 વાગ્યાથી આ તમામ જગ્યાએ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની એજન્સીના અધિકારીઓ-કર્મચારીઓ ફરજ પર હાજર થઈ જશે અને રાત ના 9 પછી પોલીસ સિવાય કોઈ નજરે નહિ પડી શકે.
