આજકાલ મોબાઈલ ફોન આવતા તેના પોઝીટીવ અને નેગેટિવ અસરો જોવા મળી રહી છે અને કુમળીવયના બાળકો ઉપર થઇ રહેલી ગંભીર અસરોનો એક કિસ્સો વડોદરા માં પ્રકાશમાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા એક ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા બાળકો લગ્ન કરવાના ઇરાદે ફરાર થઇ ગયા છે. લગ્ન કરીને સાંસારીક જીવન જીવવાના સપના લઇને ફરાર થઇ ગયેલા બાળકો ની આ ઘટનાને પગલે પોલીસ અને વાલીઓ દોડતા થઈ ગયા છે.
છાણી પોલીસ મથકે નોંધાયેલી આ ચોંકાવનારી ઘટના અંગેની વિગતો અનુસાર ભાગી ગયેલા 14 વર્ષનાં કિશોર અને કિશોરી બંને એક જ વિસ્તાર રહે છે. જોકે બંને અલગ-અલગ સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. છેલ્લાં 5 વર્ષથી બંને ગળાડૂબ પ્રેમમાં પડ્યાં હતાં. બંને મોબાઈલ ઉપર સંપર્ક માં હતા અને શાળામાં જતી વખતે એકબીજાને મળતાં હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરાના કારણે માર્ચ મહિનાથી શાળાઓ બંધ થઇ ગઇ હોવાથી કિશોર અને કિશોરી ખુલ્લા મનથી એકમેકને મળી શકતાં ન હતાં.
ગત 28 તારીખે સવારે 8-30 વાગ્યે બંને ઘરેથી ભાગી ગયાં હતાં. બંને ઘરમાં જોવા ન મળતાં તેમના પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે તેમનો કોઇ પત્તો ન મળતાં આખરે 31મી ડિસેમ્બરે પોલીસને જાણ કરતાં છાણી પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. જોકે 6 દિવસ પછી પણ બંનેનો કોઇ પત્તો મળી શક્યો ન હતો.
ઘર છોડીને જતાં પહેલાં કિશોરે તેના ઘરમાંથી 25 હજાર રૂપિયા પરિવારની જાણ બહાર લઇ લીધા હતા, જ્યારે કિશોરીએ તેના ઘરમાંથી 5 હજાર લીધા હતા. 28 તારીખે સવારે અગાઉથી નક્કી કર્યું હોય તેમ કિશોરે કિશોરીને તેના ઘરની બહાર બોલાવી હતી અને બંને જતાં રહ્યાં હતાં. પોલીસ દ્વારા બંનેને સહીસલામત ઘરે પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આમ આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.