ભારતીય મહિલા બેટસમેન વેદા કૃષ્ણમૂર્તિએ નવ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહેલી મહિલા બિગ બૈશ લીગના ત્રીજા સંસ્કરણ માટે હોબાર્ટ હરિકેનની સાથે કરાર કર્યો છે.
25 વર્ષિય વેદા હવે બિગ બૈશ લીગમાં ઇંગ્લેન્ડની લૉરેન વિંડફિલ્ડ અને વેસ્ટઇન્ડિઝની હેલી મૈથ્યૂઝ જેવી ખેલાડીઓની સાથે હોબાર્ટ હરિકેન્સ સાથે રમતી નજરે આવશે. વેદા ઉપરાંત હરમનપ્રીત કૌર સિડની થડર્સ તરફથી રમશે. ઓલરાઉન્ડર દિપ્તિ શર્માની પણ કેટલાક ફ્રેન્ચાઇજીઓની સાથે વાતચીત ચાલુ છે. જ્યારે ગત વર્ષે બ્રિસ્બેન હીટ માટે રમનાર સ્મૃતિ મંધાના આ વર્ષે લીગમાં રમવા માટે શંકાસ્પદ લાગી રહી છે. વેદા લીગની પ્રારંભિક 10 મેચમાં રમી શકશે અને પછી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનાર દક્ષિણ આફ્રિકા પ્રવાસની તૈયારી માટે સ્વદેશ પરત આવશે.
ભારત તરફથી 40 વન ડે અને 37 ટ્વેન્ટી-20 મેચ રમનાર વેદાએ કહ્યું કે, બિગ બૈશ લીગમાં રમવાનો પ્રસ્તાવ મારી પાસે એક મહિના પહેલા આવ્યો હતો. હું આશ્વર્યચકિત છું કારણ કે મને તેની બિલકુલ આશા ન હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસને ધ્યાનમાં રાખતા આ પ્રસ્તાવને લઇને હું દુવિધામાં હતી. પરંતુ, હવે બધુ સ્પષ્ટ છે અને પ્રારંભિક 10 મેચમાં હું રમી શકીશ.