બીપી ચેક કરવાની સાચી રીત: બ્લડ પ્રેશર જમણા કે ડાબા ક્યા હાથે માપવું જોઇએ? જાણો નિષ્ણાતોનો સાચો જવાબ
આજના દોડધામભર્યા જીવનમાં બ્લડ પ્રેશર (બીપી) એટલે કે હાઈપરટેન્શન એક સાયલન્ટ કિલર બીમારી તરીકે ઉભરી આવ્યું છે. હવે લગભગ દરેક ઘરમાં બ્લડ પ્રેશરના દર્દીઓ જોવા મળે છે. તબીબોના મતે, બીપીને નિયંત્રણમાં રાખવા માટે તેનું નિયમિત મોનિટરિંગ કરવું અત્યંત અનિવાર્ય છે. રોજ-રોજ ક્લિનિક જવું શક્ય ન હોવાથી મોટાભાગના લોકો હવે ઘરે જ ડિજિટલ કે મેન્યુઅલ મશીન વસાવી લે છે. પરંતુ, શું તમે જાણો છો કે કયા હાથે બીપી માપવું જોઈએ અને તેની સાચી વૈજ્ઞાનિક રીત કઈ છે? ખોટી પદ્ધતિથી લેવાયેલું રીડિંગ તમારી દવાની માત્રામાં ગરબડ કરાવી શકે છે.
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધવાની સાથે હવે ઘરે જ બ્લડ પ્રેશર (BP) માપવાનું વલણ ખૂબ જ સામાન્ય બની ગયું છે. જો કે, તબીબી નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો બીપી માપવાની તકનીક ખોટી હોય, તો રીડિંગ પણ ખોટા આવી શકે છે. મેડિકલ ક્ષેત્રના જાણીતા પ્લેટફોર્મ RegisteredNurseRN.com ના રજિસ્ટર્ડ નર્સ સારાએ મેન્યુઅલી અને ઓટોમેટિક મશીન દ્વારા બ્લડ પ્રેશર ચેક કરવાની એકદમ સચોટ અને વૈજ્ઞાનિક રીત સમજાવી છે. તેમના મતે, ખોટા રીડિંગના આધારે જો ડૉક્ટર દવાની માત્રા (ડોઝ) નક્કી કરે, તો તે દર્દીના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી, બીપી માપતા પહેલાં તેની સાચી પદ્ધતિઓ જાણવી ખૂબ જ જરૂરી છે.
ડાબા કે જમણા, કયા હાથે બીપી માપવું જોઈએ?
આ પ્રશ્ન મોટાભાગના લોકોને મૂંઝવતો હોય છે. તબીબી પ્રોટોકોલ અનુસાર, જ્યારે તમે જીવનમાં પ્રથમ વખત અથવા લાંબા સમય પછી બીપી માપો છો, ત્યારે બંને હાથમાં બ્લડ પ્રેશરની તપાસ કરવી જોઈએ. જો બંને હાથના રીડિંગમાં થોડો તફાવત જોવા મળે, તો આગામી સમયમાં હંમેશા તે જ હાથમાં બીપી માપવું જોઈએ જેમાં રીડિંગ વધારે આવ્યું હોય.
સામાન્ય રીતે મોટાભાગના લોકો ડાબા હાથનો ઉપયોગ કરે છે કારણ કે તે આપણા હૃદયની વધુ નજીક હોય છે. જો કે, સૌથી અગત્યની બાબત એ છે કે સરખામણી યોગ્ય રીતે થઈ શકે તે માટે દર વખતે એક જ હાથનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
બીપી માપતા પહેલાં આટલી તૈયારીઓ કરો
બ્લડ પ્રેશરની તપાસ શરૂ કરતાં પહેલાં હાથની યોગ્ય સફાઈ કરવી જોઈએ. ત્યારબાદ સ્ટેથોસ્કોપ અને મેન્યુઅલ કફ તૈયાર રાખો. દર્દીને એકદમ શાંત અને આરામદાયક સ્થિતિમાં બેસાડો. ખાસ ધ્યાન રાખો કે બીપી માપતી વખતે દર્દીનો હાથ હૃદયના લેવલ (સમાંતર) પર હોવો જોઈએ. દર્દીના બંને પગ જમીન પર સીધા હોવા જોઈએ, પગ ક્રોસ કરીને (પલાંઠી વાળીને કે એક પગ પર બીજો પગ ચડાવીને) બેસવાથી રીડિંગ ખોટું આવી શકે છે. દર્દીના હાથના કદ પ્રમાણે જ યોગ્ય સાઈઝના કફની પસંદગી કરવી જરૂરી છે. કોણીના અંદરના વળાંકમાં આવેલી બ્રેકિયલ ધમની (Brachial Artery) નો અનુભવ કરીને તેની બરાબર ઉપર કફ બાંધવો જોઈએ.
મેન્યુઅલ મશીનથી બીપી માપવાની રીત
કોણીના વળાંકથી લગભગ ૨ ઇંચ ઉપર કફને એવી રીતે બાંધો જેથી કફ પર બનેલું તીર (Arrow) બ્રેકિયલ ધમનીની દિશા તરફ રહે. અંદાજિત સિસ્ટોલિક પ્રેશર કરતાં કફને અંદાજે ૩૦ mmHg જેટલો વધારે ફુલાવો. ત્યારબાદ સ્ટેથોસ્કોપને ધમની પર હળવા હાથે મૂકીને કફમાંથી હવાને પ્રતિ સેકન્ડે ૨ mmHg ની ધીમી ગતિએ બહાર કાઢો. હવા નીકળતી વખતે જે પહેલો સ્પષ્ટ ધબકારાનો અવાજ સંભળાય, તેને સિસ્ટોલિક (ઉપરનું) પ્રેશર કહેવાય છે. જે બિંદુ પર આ અવાજ આવતો સંપૂર્ણ બંધ થઈ જાય, તેને ડાયાસ્ટોલિક (નીચેનું) પ્રેશર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો પ્રથમ અવાજ ૧૦૪ mmHg પર સંભળાય અને છેલ્લો અવાજ ૭૮ mmHg પર બંધ થાય, તો દર્દીનું બીપી ૧૦૪/૭૮ mmHg ગણાશે.
ડિજિટલ (ઓટોમેટિક) મશીન વાપરતા હોવ તો આટલું ધ્યાનમાં રાખો
ડિજિટલ મશીન વાપરતી વખતે કફને કોણીથી ૨-૩ સેન્ટીમીટર ઉપર બાવડા પર બાંધો. કફ બહુ ચુસ્ત કે બહુ ઢીલો ન હોવો જોઈએ. હાથને ટેબલ પર હૃદયની સમાંતર રાખીને મશીનનું સ્ટાર્ટ બટન દબાવો. મશીન જાતે જ હવા ભરીને ધીમે ધીમે મુક્ત કરશે. આ આખી પ્રક્રિયા દરમિયાન દર્દીએ બિલકુલ બોલવું નહીં, હલનચલન ન કરવું અને મોબાઈલ ફોનનો ઉપયોગ પણ ટાળવો. થોડી જ સેકન્ડોમાં સ્ક્રીન પર સિસ્ટોલિક, ડાયાસ્ટોલિક અને પલ્સ રેટ (હૃદયના ધબકારા) દેખાશે. વધુ સચોટતા માટે એક જ વારના રીડિંગ પર ભરોસો ન કરતાં, બે મિનિટના અંતરે બે વાર ચેક કરવું હિતાવહ છે.
નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ?
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (૨૦૧૭) ના સત્તાવાર માપદંડો અનુસાર, બ્લડ પ્રેશરની સ્થિતિને નીચે મુજબના ચાર સ્તરોમાં વહેંચવામાં આવી છે:
-
સામાન્ય બ્લડ પ્રેશર: ૧૨૦/૮૦ mmHg થી ઓછું હોવું જોઈએ.
-
એલિવેટેડ (સામાન્ય કરતાં સહેજ વધુ): સિસ્ટોલિક ૧૨૦ થી ૧૨૯ mmHg ની વચ્ચે અને ડાયાસ્ટોલિક ૮૦ mmHg કરતાં ઓછું હોય.
-
હાયપરટેન્શન સ્ટેજ ૧: જો સિસ્ટોલિક ૧૩૦ થી ૧૩૯ mmHg ની વચ્ચે અથવા ડાયાસ્ટોલિક ૮૦ થી ૮૯ mmHg ની વચ્ચે પહોંચે.
-
હાયપરટેન્શન સ્ટેજ ૨: જો સિસ્ટોલિક ૧૪૦ mmHg કે તેથી વધુ, અથવા ડાયાસ્ટોલિક ૯૦ mmHg કે તેનાથી ઉપર જાય, તો તેને ગંભીર હાઈ બીપી ગણવામાં આવે છે અને તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

