વાસ્તવિક કિંમત ૧૬૦૦ રૂપિયા છતાં ગ્રાહકોને કેમ મળે છે સસ્તો ગેસ? જાણો સબસિડી પાછળનું આખું સરકારી ગણિત
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને મધ્ય પૂર્વમાં ઊભા થયેલા તણાવની સીધી અસર હવે સામાન્ય ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઇંધણના ભાવોમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે દેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરમાં ૪૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ માટે રાંધણ ગેસના મોરચેથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનાની અંદર આ બીજો મોટો વધારો છે, કારણ કે આ અગાઉ ૭ માર્ચે પણ સિલિન્ડરના ભાવમાં ૬૦ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. આ ઉપરાંત, વ્યાપારી હેતુ માટે વપરાતા ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ આશરે ૪૨ રૂપિયાનો વધારો થયો છે. જો કે, ગયા અઠવાડિયે ૭ જૂને થયેલા આ વધારા બાદ, આજે શનિવાર ૧૩ જૂનના રોજ કિંમતો સ્થિર રાખવામાં આવી છે.
દેશના જુદા જુદા શહેરોમાં શું છે આજનો ભાવ?
ભારતના ભૌગોલિક સ્થાન અને સ્થાનિક કરવેરા (ટેક્સ) ના કારણે અલગ-અલગ શહેરોમાં રાંધણ ગેસના ભાવમાં તફાવત જોવા મળે છે. દેશની રાજધાની દિલ્હીમાં ૧૪.૨ કિલોનું ઘરેલું સિલિન્ડર ૯૪૨.૦ રૂપિયામાં મળી રહ્યું છે, જ્યારે ત્યાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૩૧૧૩.૫ રૂપિયા છે. આર્થિક પાટનગર મુંબઈમાં ઘરેલું ગેસનો ભાવ ૯૪૧.૫ રૂપિયા અને કોમર્શિયલનો ભાવ ૩૦૬૭.૫ રૂપિયા છે. કોલકાતામાં ગ્રાહકોએ ઘરેલું સિલિન્ડર માટે ૯૬૮.૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૫૭.૫ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
ભોપાલમાં ૯૪૭.૫ રૂપિયા છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં ઘરેલું ગેસ સિલિન્ડર ૯૭૯.૫ રૂપિયામાં મળી રહ્યું છે. દેશમાં સૌથી મોંઘો ગેસ બિહારના પટનામાં છે, જ્યાં ઘરેલું સિલિન્ડરની કિંમત ૧૦૩૧.૫ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૩૪૦૦.૫ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, પોર્ટ બ્લેરમાં ઘરેલું સિલિન્ડર ૧૦૧૮.૦ રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડર ૩૫૪૪.૦ રૂપિયાના સ્તરે છે.
ઈરાન સંઘર્ષ અને વૈશ્વિક બજારનું દબાણ
તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના સત્તાવાર આંકડા અનુસાર, મોંઘવારીના કારણે આ વર્ષે દેશમાં એલપીજીનો વપરાશ ૨૦ ટકા જેટલો ઘટીને ૨.૧૩ મિલિયન ટન થયો છે. ભારત પોતાની જરૂરિયાતનો ૯૦ ટકા જેટલો એલપીજી જથ્થો મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ના દેશોમાંથી આયાત કરે છે. ઈરાન આસપાસના વિસ્તારો અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે દરિયાઈ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. બળતણ માટેના વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતા સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસ (CP) માં લગભગ ૪૬ ટકાનો તોતિંગ વધારો થયો છે, જેના કારણે ભારત માટે આયાત મોંઘી થઈ છે.
વાસ્તવિક કિંમત અને સરકારી સબસિડીનું ગણિત
સરકારના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાને કારણે એક સિલિન્ડર ભારત સુધી પહોંચાડવાનો વાસ્તવિક ખર્ચ ૧,૬૦૦ રૂપિયાથી વધુ થઈ ગયો છે. આ કિંમત સામે ગ્રાહકોને દિલ્હીમાં માત્ર ૯૪૨ રૂપિયા ચૂકવવા પડે છે. તાજેતરના ભાવવધારા પહેલા સરકારી ઓઇલ કંપનીઓ (OMCs) પ્રતિ સિલિન્ડર ૭૦૩ રૂપિયાનું મોટું નુકસાન વેઠી રહી હતી. ગ્રાહકોને આ મોંઘવારીથી બચાવવા માટે સરકાર સામાન્ય ગ્રાહકોને આશરે ૭૦૦ રૂપિયા અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૧,૦૦૦ રૂપિયાની સબસિડી સીધી બેંક ખાતામાં આપી રહી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ગ્રાહકો પર આંતરરાષ્ટ્રીય ભાવોનું અસહ્ય ભારણ ન આવે તે માટે જ આ ૨૯ રૂપિયાનો નાનો વધારો કરવામાં આવ્યો છે, જે રોજના માત્ર ૨૦ થી ૨૫ પૈસા જેટલો જ થાય છે.

