નવી દિલ્હીઃ રેલવે વિભાગને મનમાની રીતે મુસાફરોને માહિતી આપ્યા વગર જ ટ્રેનો રદ કરવી ભારે પડી છે. કન્ઝ્યુમર ફોરમે રેલવને મુસાફરને 15,000 રૂપિયાનું વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો છે. સિકંદરાબાદના પી.રામચંદ્ર રાવે આ મામલે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. રાવે 9 ફેબ્રુઆરી 2019ના રોજ IRCTC પરથી ટીકીટ ખરીદી હતી. આ ટીકીટ 16 ફેબ્રુઆરી 2019ની બેંગ્લોરથી કાચીગુડા સુધીની મુસાફરીની હતી.
રાચંદ્ર રાવે આ ટીકીટ માટે 249.41 રૂપિયા ચૂકવ્યા હતા. ટીકીટનું સ્ટેટસ વેટિંગ લિસ્ટમાં હતુ. ત્યારબાદ RACમાં થયુ અને તે 97 ટકા કન્ફર્મ થવાની શક્યતા હતી. રાવે કહ્યુ કે, હું અન્ય ટ્રેનોનું સ્ટેટસ ચેક કરી રહ્યો હતો ત્યારે મેં જોયુ કે જે ટ્રેનમાં મે ટીકીટ બુક કરાવી હતી તે કેન્સલ થઇ ગઇ છે. એક બાજુ મારી ટીકીટમાં RACનું સ્ટેટસ દેખાઇ રહ્યુ હતુ અને બીજી બાજુ ટ્રેન કેન્સલ થઇ ગઇ હતી. ત્યારબાદ મે 1063.40 રૂપિયા ચૂકવી ગરીબ રથમાં હૈદરાબાદની તત્કાલ ટીકીટ બુક કરાવી.
પ્રવાસીએ પોતાની ફરિયાદમાં કહ્યુકે, રેલવે વિભાગની રાજધાની એક્સપ્રેસ કેન્સલ ન કરાઇ, જે રાતે 8 વાગે બેંગ્લોરથી ઉપડવાની હતી. તેણે ટ્રેન 12786 કેન્સલ કરી જે શાંજે 6 વાગેને 20 મિનિટ રવાના થવાની હતી. તેમણે કહ્યુ કે, રેલવે વિભાગે ટ્રેન કેન્સલ કરવાનું કોઇ કારણ જણાવ્યુ નથી. તેનાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રેલવે વિભાગે પોતાની દલીલમાં કહ્યુકે, સિગ્નલ સિસ્ટમમાં ખામી હોવાથી કેટલીક ટ્રેન રદ કરવામાં આવી હતી. રેલવે વધુમાં જણાવ્યુ કે, તેણે 15 ફેબ્રુઆરીના રોજ આ અંગે ન્યૂઝ બુલેટિન જારી કર્યુ હતુ. રેલવેનું કહેવુ છે કે રાજધાની એક્સપ્રેસનો રૂટ અલગ હતો, આથી તે કેન્સલ કરવામાં આવી ન હતી.