મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવવાની દહેશત છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચકતાં અહીં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારે કડક આદેશો આપ્યા છે. જેના કારણે વર્ધા જિલ્લામાં શનિવારે રાતે આઠ વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
આદેશ મુજબ ફક્ત મેડિકલ સ્ટોર્સ અને તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ કર્ફ્યુમાં ફરવા દેવામાં આવશે. આ સિવાય બધું જ બંધ રહેશે. આ વખતે સરકારે પેટ્રોલ પમ્પ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. વર્ધાના જિલ્લા કલેક્ટર પ્રેરણા એચ દેશભરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોને આગામી સૂચના સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુંબઇ બાદ હવે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમોની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે હોટેલોને 50 ટાક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે. આ સાથે જ વર્ધામાં જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
નાગપુર કોર્પોરેશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો એક બિલ્ડિંગમાં પાંચ કરતા વધારે કોરોના કેસ આવશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે જ જે લોકો હોમ ક્વોરેન્ટાઇન હશે તેમની હાથ પર સ્ટેમ્પ પમ લગાવવામાં આવશે. તો કોઇ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં 20 કરતા વધારે લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકાયો છે.
યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવારે રાતથી જ 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યારે અમરાવતીમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હાલના થોડા દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોના વાયરસના કુલ કેસના 75 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવ્યા છે.