સુરતઃ સુરતની મનપાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની રાજકીય પાર્ટી ‘આપ’ના ઘણા ઉમેદવારોએ જીત મેળવી સુરતમાં આપનું ખાતુ ખોલાવ્યુ છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરીને સફળતા મેળવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. સુરતમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. અને સુરતની જનતાનો આભાર વ્યક્ત કરશે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે
ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાત હવે જૂની થવા જઇ રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઓફિશિયલ રીતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને સુરતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ રોડ શો કરવા સુરત આવશે. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે જીત મેળવી પરંતુ આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા 27થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.
આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે. સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે.
સૌથી મોટો ઝટકો આજે કોંગ્રેસનો રકાસ અને આપના ઉદયનો છે. આજના પરિણામોએ ગુજરાતના રાજકારણની તાસિર બદલી કાઢી છે. અમદાવામાં ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસની ગુજરાતમાં પડતી શરૂ થઈ હોય તેમ ભારે શરમજનક હાર થઈ છે. હવે સ્થિતિઓ બદલાઈ છે. આવતા રવિવારે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત અને નગર પાલિકાની ચૂંટણી છે. આ પહેલાં આપ સ્થિતિમાં ફેરફાર કરવા માગે છે. સુરતમાં 26મીએ કેજરીવાલનો રોડ શો યોજી શકે છે. રોડ શો બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફેરફારો થઈ શકે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે.