અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ ખાતે વિશ્વનુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમ અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ કહેવાતુ હતુ. હવે આ નવનિર્મિત સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમનું નામ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે.
આજે નવનિર્મિત સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવ્યુ છે. મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે.
ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ગુજરાતમાં સરદાર પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યુ અને અદાણી ગ્રૂપને તેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી બદલીને અદાણી એરપોર્ટ કરવામાં આવ્યુ હતુ જો કે લોકોનો વિરોધ અને આક્રોશ જોઇને કંપનીએ ફરી એરપોર્ટનું નામ બદલીને સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ કર્યુ હતુ.