આજે ચેન્નઇના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ જામશે મેદાન-એ-જંગનો માહોલ. કારણ કે અહી આજે વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન-૫ની ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન પટના પાઇરેટ્સનો સામનો લીગમાં નવી પ્રવેશેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે થવાનો છે. આ મેચમાં રોમાંચ પેદા કરતી તમામ સામગ્રી જોવા મળશે કારણકે બે વખત અહી ચેમ્પિયન રહી ચૂકેલી અને પીકેએલની સૌથી સફળ ટીમ પટના પાઇરેટ્સ હેટ્રિક મેળવવા માટે ઝઝૂમશે. જ્યારે બીજી બાજુ આ સ્પર્ધામાં નવી પ્રવેશેલી ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સની ટીમ પીકેએલની સિઝન-૫માં પટના પાઇરેટ્સને સતત ત્રીજી વખત હરાવી હેટ્રિક પ્રાપ્ત કરવા પોતાનું તમામ બળ અજમાવશે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ સ્પર્ધામાં પ્રથમ વખત ઉતરી ફાઇનલમાં પ્રવેશનારી પ્રતમ ટીમ બનશે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ તેની હરીફ ટીમને આ સિઝનમાં બે વખત પછાડી ચૂકી ચે જેને કારણે તેમના ખેલાડીઓ જુસ્સામાં છે. આ પહેલા આ જ સ્થળે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે ૨૯ સપ્ટેમ્બરના રોજ ઇન્ટર ઝોનની ચેલેન્જ મેચમાં ૩૦-૨૯થી રોમાંચક જીત મેળવી હતી. ત્યારબાદ આઠ ઓક્ટોબરના રોજ જયપૂર ખાતે યોજાયેલી મેચમાં ૩૩-૨૯ના સ્કોરથી જીત મેળવી હતી.
ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સના કોચ નીર ગુલિયાએ જણાવ્યું હતું કે પટના પાઇરેટ્સને ફાઇનલ મેચ રમવાનો અનુભવ હશે પરંતુ અમને માનસિક સરસાઇ મળેલી છે. અમે પુરવાર કર્યું છે કે પટના પાઇરેટ્સ ટીમ અપરાજિત નથી. અમે આ પહેલા પણ તેમની સામે જીત મેળવેલી છે અને ફાઇનલમાં ફરી એક વખથ તેમને હરાવવા માટે તૈયાર છીએ. અમને ખબર છે કે પટનાની ટીમનો કેપ્ટન પ્રદીપ નરવાલ સારા ફોર્મમાં છે પરંતુ ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ પાસે સિઝનના ટોચના રેઇડર્સને શાંત કરી દેવાની સામગ્રી છે. અમારી પાસે મજબૂત ડિફેન્સ છે. જેમાં કેપ્ટન ફૈઝલ અત્રાચલી, અબોઝર મિઘાની અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હેડ કોચ મનપ્રીત સિંહ અને ફૈઝલ અત્રાચલી આ પહેલા પણ પટનાની ટીમમાં રમી ચૂક્યા છે. તેમને ફાઇનલ મેચ રમવાનો પણ અનુભવ છે અને તેમના અનુભવનો અમને લાભ મળશે. અમારા રેઇડર્સ સચિન તનવર અને મહેન્દ્ર રાજપૂત શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તેઓ કોઇ પણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે. આ ઉપરાંત આંકડાઓ પણ ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સની તરફેણમાં છે. પટના પાઇરેટ્સે આ સિઝનની ૨૫ મેચમાં ૯૯૫ પોઇન્ટ નોંધાવ્યા છે જ્યારે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સે ૨૩ મેચમાં ૭૩૭ પોઇન્ટ્સ નોંધાવ્યા છે. પોઇન્ટ્સ આપવામાં પણ પટના પાઇરેટ્સના ૮૮૩ની સરખામણી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે ૫૮૬ પોઇન્ટ્સ આપ્યા છે. આમ આજની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.