રેલવેમાં મુસાફરી મોંઘી થવાની સાથે સાથે સગા-સંબંધોને રેલવે સ્ટેશનો પર છોડવા જવુ પણ મોંઘુ પડશે. કારણ કે રેલવે વિભાગે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરમતોડ 3 ગણો વધારો કરવામાં આવ્યુ છે. ઉપરાંત કેટલીક ટ્રોનાના ભાડાં પણ વધારતા હવે તેમાં મુસાફરી માટે લોકોએ વધારે નાણાં ચૂકવવા પડશે.
રાજધાની દિલ્હીના પ્રમુખ સ્ટેશનો પર કોરોનાના કારણે લાંબા સમયથી બંધ પડેલી પ્લેટફોર્મ ટિકિટની સેવાને ફરી ચાલુ કરી દેવામાં આવી છે. અડધી રાતના સમયથી આ સેવા અમલી કરી દેવામાં આવી છે અને રેલવેએ ટિકિટની કિંમતોમાં પણ 3 ગણો વધારો કર્યો છે. પહેલા એક પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા 10 રૂપિયા ચુકવવા પડતા હતા પરંતુ હવે 30 રૂપિયા ચુકવવા પડશે.
કોરોના મહામારીના કારણે દેશમાં અનેક ટ્રેનની સેવા હજુ ફરીથી કાર્યાન્વિત નથી થઈ. એક રાજ્યથી બીજા રાજ્યમાં જનારા મુસાફરોને તેમના સંબંધીઓ રેલવે સ્ટેશન પર મુકવા આવતા હોય છે અને તેમના માટે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી ફરજિયાત હોય છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એક વર્ષ પહેલા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જેથી જેમને મુસાફરી કરવાની છે તે લોકો જ સ્ટેશન પર જાય અને વધુ ભીડ ન થાય. જો કે હવે ફરી પ્લેટફોર્મ ટિકિટની સેવા ચાલુ કરી દેવામાં આવી છે.
દિલ્હી ઉપરાંત મુંબઈમાં પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારી દેવામાં આવ્યા છે અને 5 ગણી કિંમત કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટીન રીજન (MMR)ના કેટલાક પ્રમુખ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતો વધારી દીધી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનલ્સ ખાતે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂપિયા 10થી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરવામાં આવેલા વધારા સાથે જ રેલવેએ લોકલ ભાડામાં પણ વધારો કર્યો છે. રેલવેએ પેસેન્જર ટ્રેનના બદલે એક્સપ્રેસ ટ્રેનની સેવા શરૂ કરી છે અને તેના ભાડામાં વધારો થયો છે. મુસાફરોએ 10ના બદલે 30 રૂપિયા ચુકવીને લોકલમાં સવારી કરવી પડશે. દિલ્હીથી ગાઝિયાબાદ જવા માટે 10ના બદલે 30 રૂપિયા ચુકવવા પડશે. રેલવેએ એક તરફ પરિવહન શરૂ કરીને લોકોને સગવડ કરી આપી છે પરંતુ સાથે જ તેમના ખિસ્સાનું ભારણ વધાર્યું છે.