વડોદરા મહાનગર પાલિકા માં મેયર તરીકે કેયુર રોકડીયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષી તેમજ સ્થાયી સમિતીના અધ્યક્ષ તરીકે ડો. હિતેન્દ્ર ની વરણી કરવામાં આવી હતી મેયર, ડે. મેયર અને સ્થાયિ સમિતીના અધ્યક્ષની ભાજપા કાર્યાલય ખાતે પસંદગી થયા બાદ સમર્થકો, મિત્રો અને શુભેચ્છકો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને કાર્યાલય બહાર કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ભારે આતશબાજી કરવામાં આવી હતી. નોંધનીય છે કે વડોદરા મહાનગર સેવા સદનની સામાન્ય ચૂંટણીમાં 69 બેઠકો સાથે ભાજપા એ જંગી બહુમતી મેળવી હતી. ચૂંટણી પૂરી થતાંની સાથે વડોદરાને આગામી અઢી વર્ષ માટે મેયર, ડે. મેયર અને કોર્પોરેશન માં મહત્વની ગણાતી સ્થાયી સમિતીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થશે તે અંગે ભારે અટકળો ચાલતી હતી. ભાજપામાંથી મેયર તરીકે કેયુર રોકડીયા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શિતલ મિસ્ત્રી, ડો. હિતેન્દ્ર પટેલના નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. તેજ રીતે ડેપ્યુટી મેયર અને સ્થાયિ સમિતીના અધ્યક્ષ પદ માટે પણ વિવિધ નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. જે ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો.
વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે વડોદરા કર્પોરેશનના ત્રણ મહત્વના હોદ્દાની પસંદગી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ન થતાં મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. અને ત્રણે હોદ્દાની પસંદગી દિલ્હી ખાતે કરવામાં આવી હતી. આમ અનેક અટકળો વચ્ચે મહત્વ ના હોદ્દા ઉપર આખરે વરણી પ્રક્રિયા સંપન્ન થઈ છે.