આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર સુધી જાય છે અને તેની સારી એવી રકમ પણ ચૂકવે છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય એક કપ ચા માટે એક હજાર રૂપિયા ચૂકવ્યાં છે, તો ચોક્કસથી તમારો જવાબ નહીંમાં જ હશે. કારણ કે, તમને મનમાં એમ પ્રશ્ન થતો હશે કે શું આટલી મોંઘી ચા ક્યાંક મળતી હશે? સામાન્ય રીતે એક કપ ચાની કિંમત 5થી 10 રૂપિયા હોય છે. પરંતુ, કોલકાતામાં નાના ટી સ્ટોલ પર લોકોને માત્ર એક કપ ચા માટે એક હજાર રૂપિયા આપવા પડે છે. રિપોર્ટ અનુસાર, દુકાનનું નામ ‘નિર્જશ’ છે અને માલિકનું નામ ‘પાર્થ પ્રતિમ ગાંગુલી’ છે. આ દુકાન મુકુંદપુરમાં 2014માં ખોલવામાં આવી હતી.આ દુકાનમાં એક કપ ચાની કિંમત 12 રૂપિયાથી લઇને એક હજાર રૂપિયા સુધીની છે. ત્યાં આ દુકાન ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં ચા પીવા માટે લોકો દૂર-દૂરથી લોકો આવે છે. આ દુકાન પર અંદાજે 100 પ્રકારની ચા બને છે. એવું કહેવાઇ રહ્યું છે કે, આટલી મોંધી ચાની પાછળ ‘Bo Lay Tea’ છે, જેની કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિગ્રા છે. માત્ર આટલું જ નહીં અહીં લેવેન્ડર ટી, વાઇન ટી, તુલસી જિંજર ટી, બ્લુ ટિશ્યન ટી, મકઇબારી ટી, ઓક્ટી ટીને પણ ચામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
