નવી દિલ્હીઃ સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરી ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવ સાધારણ 45 રૂપિયા વધીને 44,481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. તો ચાંદીની કિંમતો પણ 116 રૂપિયા સુધરીને 66740 રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. જ્યારે ગઇકાલ સોમવારે સોનાની કિંમત 44,436 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 66,624 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતી.
દેશાવર બજારોની વાત કરીયે તો મંગળવારે અમદાવાદના બુલિયન બજારમાં સોનાના ભાવ 150 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,700 રૂપિયા થયો હતો. તો ચાંદીની કિંમતો 500 ઘટીને પ્રતિ એક કિગ્રાની કિંમત 68,500 રૂપિયા થઇ હતી.
વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીની કિંમતોમાં સુધારા તરફી માહોલ હતો. સોનાનો વૈશ્વિક ભાવ 3 ડોલરથી વધુ સુધરીને 1732 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તો ચાંદી સાધારણ વધીને 26.34 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો એમસીએક્સ ગોલ્ડનો એપ્રિલ વાયદો 65 રૂપિયાની નરમાઇમાં 44,835 રૂપિયા હતો તો ચાંદીનો મે વાયદો 378 રૂપિયાના ઘટાડે 67,291 રૂપિયા બોલાઇ રહ્યો હતો.