ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ તા. 17 માર્ચ 2021થી ચાર મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ રાત્રિ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે હવે રાજ્યમાં સૌથી વધુ કેસોનું પ્રમાણ સુરતમાં જોવા મળતા સુરતનું તંત્ર મોડ એક્શનમાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઇલ્સ માર્કેટ વિસ્તારમાં બીઆરટીએસ તેમજ સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. સુરતમાં 20 રૂટની કુલ 300 જેટલી બસો બંધ કરવામાં આવી છે.સુરતના તમામ બાગ- બગીચાઓ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના કુલ આઠ ઝોનમાં આવેલ બાગ – બગીચા બંધ કરવાનો આદેશ કરાયો છે. સુરતમાં વધતા કોરોનાના કેસોને તંત્ર એલર્ટ બન્યું છે. આ સાથે સ્વીમીંગ પુલો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે..ત્યારે એસટી તંત્રએ આજ રાતથી જ મહાનગરો માટે એસટી બસનુ શિડ્યુઅલ બદલી દીધુ છે અને એસટી બસના શિડ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉથી જેઓએ એસટી બુકીંગ કરાવ્યુ છે. તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. રાત્રીના 10 બાદ શહેરમાં પ્રવેશ નહીં મળવાના કારણે રિંગ રોડથી મુસાફરો માટે પિક અને ડ્રોપ પોઇન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે અને તે અંગે આગામી સમયમાં જે પેસેન્જર બુકીંગ કરાવશે તેને મેસેજ કરી સ્થળ અંગે જાણ કરવામાં આવશે. સવારે 6 વાગ્યા પહેલા ઉપડતી બસો ને રિંગ રોડ થી જ પરત કરવામાં આવશે..આ સાથે જ એસટી વિભાગે મુસાફરી ટાળવા માટે અપીલ કરી છે. તમને જણાવી દઇએ કે, આ ચારેય મહાનગરોમાં લગાવાયેલો રાત્રિ કરફ્યુ મંગળવારના 16 માર્ચ સુધી અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધીની વ્યવસ્થા હતી તે મુજબ યથાવત રહેશે. પરંતુ આવતી કાલ 17 માર્ચથી રાજ્યમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.Dy. CM નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને પણ સૂચના આપી દેવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા માટેની છૂટ આપી દેવાઇ છે તેમજ જરૂરી પગલાં લેવા માટેની પણ છૂટછાટ અપાઇ છે.’ નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, રસીની અછત બાબતે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.’ તમને જણાવી દઇએ કે, સોમવારના રોજ ગઇ કાલે રાજ્યમાં આવેલા નવા કોરોનાના કેસોની વાત કરીએ તો ગઇ કાલે છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં જ્યારે 594 દર્દીઓ સાજા થયાં. રાજ્યમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ સ્વસ્થ થવાનો દર 96.72 ટકા થયો છે.