સ્કૂલ કે કોલેજ જતી છોકરીઓની સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે. ઘણી વખત છોકરીઓ ચૂપચાપ તેને સહન કરતી રહે છે. પરંતુ કેટલીક છોકરીઓ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને રસ્તા પર છેડતી કરતા છોકરાઓને જેલના સળીયાની પાછળ ધકેલી દે છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા મેરઠમાં જોવા મળી જ્યાં એક સ્કૂલની છોકરીએ શહેરના સદર બજાર વિસ્તારમાં તેની સાથે છેડતી કરતા છોકરા અને તેના મિત્રોની ધોલાઈ કરી. આ છોકરી અને તેની સહેલીઓ દરરોજની જેમ સદર બજારમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે છોકરો તેના મિત્રોની સાથે મોટરસાયકલ પર આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યો. છોકરીએ જોરથી બૂમ પાડીને કહ્યું કે મને છેડવાની તારી હિંમત કેવી રીતે થઈ? આટલું કહ્યા બાદ તે છોકરાને લાકડી વડે મારવા લાગી. બાદમાં છોકરીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય દિવસોથી આ છોકરો અને તેના મિત્રો મને અને મારી સહેલીઓને હેરાન કરી રહ્યા હતા. તે રસ્તા પર ચાલતા જતા અમારો ફોન નંબર માગતો હતો. છોકરીને મારતા જોઈને છોકરાએ તેની માફી માગી અને ફરી ક્યારેય તેની છેડતી નહીં કરવાની ખાતરી આપી.આ છોકરી દ્વારા પોલીસમાં ફરિયાદ કરાવ્યા બાદ છોકરાઓની ધરપકડ કરવામાં આવી.
