વાતાવરણ બદલાઈ જવાથી એની અસર લોકોનાં સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. એવામાં બેદરકારી ન દાખવી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી ગરમીમાં તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર રહેશે. ઉનાળામાં શરીરમાં આળસ વધારે હોય છે. એના માટે તમારા ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં મસાલેદાર અને તળેલી વસ્તુઓની માત્રા ઓછી કરો. ગરમીમાં તળેલું ભોજન લેવાથી શરીરમાં આળસ બની રહે છે અને એ જલદી પચતું પણ નથી. પોતાના ડાયટમાં સલાડ અને લીલાી શાકભાજી સામેલ કરો. સલાડમાં કાકડી, બીટ, મૂળો વગેરે લો. લીલાં પાંદડાંવાળી શાકભાજીની માત્રા વધારી લો. શરીરને ઠંડક આપવા માટે છાશ અને ડુંગળીનું સેવન કરો. ફળ તો દરેક ઋતુમાં ફાયદાકારક રહે છે, પરંતુ એનું સેવન ઋતુ પ્રમાણે કરવું જોઈએ. ઉનાળામાં રસદાર ફળોનું સેવન કરવાથી ફાયદો રહે છે. એનાથી તમારા શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. ઉનાળામાં તડબૂચ, લીચી, શક્કર ટેટી, નારંગી અને દ્રાક્ષનું સેવન કરવું ફાયદાકરક છે. ઉનાળામાં ફળોનો રાજા કેરીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. ઉનાળામાં તરલ પદાર્થોનું સેવન વધારે કરો. નારિયેળપાણી, લીંબુપાણી, શેરડીના રસનું સેવન કરી શકો છો. શરીરમાં પાણીની યોગ્ય માત્રા જળવાઈ રહેવાથી પર્યાપ્ત મિનરલ્સ અને વિટામિન શરીરને મળી રહે છે.
