વડોદરા શહેરની જાણીતી વિજય વલ્લભ હોસ્પિટલમાં રાત્રે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.
વિજય વલ્લભ હોસ્પિટલમાં એકાએક આગ લાગતા હોસ્પિટલની નજીક રહેતા લોકો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને હોસ્પિટલનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.
માંડવી વિસ્તારમાં એમ.જી.રોડની સાંકડી ગલીમાં આવેલી ચાર માળની વિજય વલ્લભ હોસ્પિટલમાં રાત્રે અચાનક જ આગ લાગતાં ભારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. હોસ્પિટલમાં કોરોનાના પેશન્ટ ઉપરાંત અન્ય પેશન્ટ પણ દાખલ હોવાના કારણે આગ પ્રસરે તો મોટી જાનહાની સર્જાય તેવી સંભાવના જણાતા સ્થાનિક લોકો તેમજ રાહદારીઓએ પેશન્ટને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા અને સાતથી આઠ પેશન્ટને અફરા તફરીના માહોલ વચ્ચે હોસ્પિટલમાંથી બહાર કાઢ્યાં હતા.
દરમિયાનમાં ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને બાકીના તમામ પેશન્ટને સીડીની મદદથી બહાર કાઢ્યા બાદ અન્ય હોસ્પિટલમાં સહીસલામત રીતે મોકલી આપ્યાં હતા. આગના આ ઘટનામાં કોરોનાના 17 અને અન્ય છ પેશન્ટ મળીને કુલ 23 પેશન્ટનો આબાદ બચાવ થયો હતો.વિજય વલ્લભ હોસ્પિટલના પહેલા માળે સર્વર રૂમ આવેલો છે જેમાં શોર્ટ સર્કિટના કારણે પહેલા આગ લાગી હતી અને ત્યાર બાદ આગ આજુબાજુના રૂમમાં ફેલાતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલના બીજા, ત્રીજા અને ચોથા માળે પ્રસરી જતાં હોસ્પિટલમાં દાખલ પેશન્ટોએ ભારે બૂમાબૂમ કરી મુકી હતી.