અમેરિકાના એટલાન્ટામાં મંગળવારે ત્રણ મસાજ પાર્લરમાં ગોળીબારમાં આઠ લોકોની હત્યા કરી દેવાઈ હતી. અહેવાલ અનુસાર હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી તેમના પર ગોળીબાર કરી દીધો હતો. મૃતકોમાં કોરિયન મૂળના ચાર લોકો સહિત મોટા ભાગની એશિયન મહિલાઓ સામેલ છે. મંગળવારે અધિકારીઓએ જણાવ્યું કે એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ દક્ષિણ પશ્ચિમ જ્યોર્જિયામાં લોંગની ધરપકડ કરી લેવાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યાં ત્રણ મહિલાઓ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેમના શરીર પર ગોળી વાગ્યાનાં નિશાન હતાં. અધિકારીઓ ઘટનાસ્થળે હતા ત્યારે જ નજીકના વધુ એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી અને ત્યાં એક મહિલા મૃત અવસ્થામાં મળી આવી હતી.
