શું તમે બાળકોના નામે પીપીએફ ખાતું ખોલાવવા માંગો છો? રોકાણ કરતા પહેલા આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી
દરેક માતા-પિતાનું એક જ સપનું હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. પછી ભલે તે તેમના ઉચ્ચ શિક્ષણ (Higher Education) નો ખર્ચ હોય કે તેમના લગ્ન પ્રસંગનું આયોજન, વાલીઓ બાળકના જન્મની સાથે જ બચત કરવાનું શરૂ કરી દેતા હોય છે. બજારમાં રોકાણના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે સુરક્ષિત, જોખમમુક્ત અને ગેરંટીડ વળતરની વાત આવે ત્યારે ‘પબ્લિક પ્રોવિડન્ટ ફંડ’ એટલે કે પીપીએફ (PPF) ને ભારતભરમાં સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. ઘણા માતા-પિતા લાંબા ગાળે પોતાના બાળકો માટે મોટું ભંડોળ ઊભું કરવાના આશયથી તેમના નામે સગીર (Minor) પીપીએફ ખાતું ખોલાવે છે. જો કે, સગીર બાળકોના નામે ખાતું ખોલવા અને તેમાં નાણાં જમા કરાવવા અંગે સરકારે કેટલાક કડક અને ખાસ નિયમો બનાવ્યા છે, જે જાણવામાં જો તમે થાપ ખાઈ ગયા, તો પાછળથી નાણાકીય નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
રોકાણની મર્યાદાનું ગણિત સૌથી મહત્વનું છે
પીપીએફનો પહેલો અને સૌથી કડક નિયમ વાર્ષિક રોકાણની મહત્તમ મર્યાદા સાથે જોડાયેલો છે. સરકારી નિયમો અનુસાર, એક નાણાકીય વર્ષમાં કોઈ એક વ્યક્તિના પીપીએફ ખાતામાં વધુમાં વધુ ₹૧.૫ લાખ જ જમા કરાવી શકાય છે. અહીં વાલીઓએ એ ખાસ સમજવાનું છે કે, જો તમારું પોતાનું એક પીપીએફ ખાતું ચાલુ હોય અને તમે તમારા સગીર બાળકનું પણ બીજું ખાતું ખોલાવ્યું હોય, તો તમારા અને બાળકના બંને ખાતાનો કુલ સરવાળો થઈને પણ વાર્ષિક રોકાણ મર્યાદા માત્ર ₹૧.૫ લાખની જ રહેશે.

ઉદાહરણ તરીકે, જો તમે તમારા પોતાના ખાતામાં ₹૧ લાખ જમા કરાવ્યા હોય, તો તમે તે જ વર્ષે તમારા બાળકના ખાતામાં વધુમાં વધુ ₹૫૦,૦૦૦ જ જમા કરી શકશો. જો તમે એવું વિચારતા હોવ કે તમારા ખાતામાં ₹૧.૫ લાખ અને બાળકના ખાતામાં બીજા ₹૧.૫ લાખ (કુલ ₹૩ લાખ) અલગ-અલગ જમા કરાવી દો, તો યાદ રાખજો કે મર્યાદાથી વધારાની રકમ પર તમને કોઈ જ વ્યાજ મળશે નહીં અને તે વધારાની રકમ પર આવકવેરામાંથી કોઈ મુક્તિ પણ નહીં મળે.
ખાતાનું સંચાલન અને વાલીપણાના નિયમો
બીજો નિયમ ખાતું ઓપરેટ કરવા અંગેનો છે. કોઈપણ એક બાળક પર માત્ર એક જ પીપીએફ ખાતું ખોલી શકાય છે, જે તેના માતા અથવા પિતામાંથી કોઈ એક (કાનૂની વાલી તરીકે) સંભાળી શકે છે. માતા અને પિતા બંને એક જ બાળક માટે અલગ-અલગ બે સગીર ખાતા ખોલાવી શકતા નથી. આ યોજના હેઠળ મળતા ટેક્સ બેનિફિટ્સની વાત કરીએ તો, આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મળતી ₹૧.૫ લાખ સુધીની કર મુક્તિ પણ માતા-પિતા અને બાળકના ખાતાના સંયુક્ત રોકાણ પર જ લાગુ પડે છે.
માલિકી હક્ક ક્યારે બદલાય છે?
પીપીએફ ખાતું મૂળભૂત રીતે ૧૫ વર્ષની મુદત માટે લૉક-ઇન રહે છે. જ્યારે તમે બાળકના નામે ખાતું ખોલાવો છો ત્યારે તે સગીર હોય છે, પરંતુ જ્યારે બાળક ૧૮ વર્ષની ઉંમર વટાવીને પુખ્ત વયનું (Major) બને છે, ત્યારે ખાતાનું સ્ટેટસ બદલવું ફરજિયાત બને છે. આ માટે જરૂરી દસ્તાવેજો બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા પછી ખાતાની સંપૂર્ણ માલિકી અને ઓપરેટિંગ હકો બાળકના હાથમાં આવી જાય છે. પુખ્ત થયા પછી, બાળક પોતાની મરજીથી આ ખાતાને આગળ વધારવા ઈચ્છે તો ૫-૫ વર્ષના બ્લોકમાં તેને ગમે તેટલી વખત લંબાવી પણ શકે છે.

વધુ વ્યાજ મેળવવાની સ્માર્ટ ટિપ
જો તમે તમારા બાળકના નામે પીપીએફ ખાતું શરૂ કરી રહ્યા હોવ, તો દર મહિનાની ૧લી થી ૫મી તારીખની વચ્ચે જ પૈસા જમા કરાવવાનો આગ્રહ રાખો. પીપીએફમાં વ્યાજની ગણતરી મહિનાની ૫મી તારીખથી લઈને મહિનાના અંતિમ દિવસ વચ્ચેના લઘુત્તમ બેલેન્સ પર કરવામાં આવે છે. જો તમે ૫ તારીખ પછી પૈસા જમા કરશો, તો તે મહિનાનું વ્યાજ તમને નહીં મળે. આ નાની પણ ખૂબ જ મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને જો રોકાણ કરવામાં આવે, તો પીપીએફના ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતથી તમે તમારા બાળક માટે ભવિષ્યમાં લાખો રૂપિયાનું એક મજબૂત અને કરમુક્ત ભંડોળ આસાનીથી તૈયાર કરી શકો છો.