અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે. આજે અમદાવાદ મ્યુ. કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદમાં હવે દર શનિવાર અને રવિવારે તમામ મોલ તેમજ થિયટરો – સિનેમા ગૃહ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેની સાથે-સાથે રાત્રી કરફ્યુનો સમય પણ લંબાવ્યો છે. હવે અમદાવાદમાં દરરોજ રાતના 9 વાગ્યાથી રાત્રી કરફ્યુ ચાલુ થશે જે સવારના 6 વાગ્યા સુધી રહેશે.
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ તેનો કડક અમલ કરવાનું નક્કી કર્યુ છે. આ અંગે વહીવટીતંત્ર એ જાહેર આદેશ પણ જારી કર્યો છે.
અમદાવાદમાં રાત્રી કરફ્યુનો સમય લંબાવ્યો છે, જે હેઠળ હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. રાત્રી કરફ્યુના નવા સમયનો અમલ આવતીકાલ શુક્રવારથી થશે.
જાહેર સ્થળોએ લોકોને એક્ઠાં થતા રોકવા માટે અમદાવાદમાં હવે દર શનિવાર અને રવિવાર તમામ મોલ અને થિયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં આજે ગુરુવારે કોરોના વાયરસના નવા 300થી વધુ કેસ નોંધાયા છે અને 2 દર્દીનાં મોત થયા છે. તો ગુજરાતમાં આજે 1276 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા અને કુલ 3 દર્દીઓનું મરણ થયુ છે.