ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખી અમદાવાદ સહિતના મહાનગરો એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આવતી કાલથી રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પણ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફર્યું રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારે તમામ મોલ અને સિનેમા થિયેટરો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
