રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે. સીએમ અને ડે. સીએમની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ, મેડિકલ કોલેજોના ડીન સાથે ઓનલાઇન પરામર્શ કરશે. વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ કરાયો છે. એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે. જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા એક બાદ એક મહાનગરોમાં મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ આજે કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને કારણે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ઉપરાંત શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે.