નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયંકર ગતિએ વધી રહ્યુ છે ત્યારે બીજી બાજુ દેશમાં આ મહામારીથી બચવા માટે સંજીવની સમાન કોવિડ વેક્સીનનો જંગી પ્રમાણમાં બગાડ થઇ રહ્યો હોવાના અહેવાલ આવ્યા છે. રસીકરણ અભિયાન પર નજર રાખતા અધિકારીઓને જાણવા મળ્યું છે કે, કેટલાક રાજ્યોમાં વેક્સીન વેસ્ટેજ એટલે કે બગાડનું સ્તર ઘણું વધારે છે. મળતી માહિતી અનુસાર, રસીકરણની યોગ્ય ટ્રેનિંગ ન હોવાથી અને કેન્દ્ર પર પ્લાનિંગ વગર કામ કરવાને કારણે આમ થયું છે. વેક્સીન વેસ્ટેજ મામલે તેલંગણા સૌથી આગળ છે. દેશમાં ગત 16 જાન્યુઆરીથી વેક્સીન પ્રોગ્રામ શરૂ થયો છે.
અમુક રાજ્યોમાં વેસ્ટેજનું સ્તર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સ્તર 6.5થી વધુ વેસ્ટેજ મળ્યું છે. તેલંગણામાં આ આંકડા 17.6, આંધ્ર પ્રદેશમાં 11.6, ઉત્તર પ્રદેશમાં 9.4, કર્ણાટકમાં 6.9 અને જમ્મૂ-કાશ્મીરમાં 6.6 ટકા છે. આ અગાઉ પણ અમુક રાજ્યોમાં વેક્સીન બરબાદ થયાના સમાચારો આવ્યા હતા.
જો વાયલમાં 10 લોકો માટે ડોઝ હોય છે અને ત્યાં 6 લોકો જ પહોંચે છે, તો બાકીના જથ્થાનો વ્યય થાય છે. પરંતુ આ રસી માત્ર એટલા માટે વેડફાઈ નથી કે લોકો પહોંચતા નથી અને સેલ ખુલ્લા છે. એવા સમયે પણ જ્યાં પૂરતા પ્રમાણમાં લોકો હાજર હોય અને જો રસી લેનારાઓને યોગ્ય રીતે પ્રશિક્ષિત ન કરવામાં આવે તો 10 માંથી માત્ર 9 ડોઝ જ કાઢી શકાય છે. આ સિવાય વેક્સીન વેસ્ટેજનું બીજું મોટું કારણે વેક્સીન સાઈટ પર પ્લાનિંગની અછત. જે રાજ્યોમાં લોકો રસીકરણ માટે આવતા નથી અને 10 લાભાર્થી નથી પહોંચતા તો ત્યાં વાયલ ન ખોલવાની સલાહ આપવામાં આવે છે.
જ્યારે ભારતે જાન્યુઆરીમાં વેક્સીન પ્રક્રીયા શરૂ કરી હતી, તો શરૂઆતના બે સપ્તાહોમાં વેક્સીન વેસ્ટેજનું રાષ્ટ્રીય સ્તર 18-19 ટકા આસપાસ હતું. જો કે, વેક્સીન વેસ્ટેજ મામલે અમુક રાજ્યોની સ્થિતિ સારી છે. રાજસ્થાનમાં 5.6 ટકા, આસામમાં 5.5 ટકા, ગુજરાતમાં 5.3 ટકા, પશ્વિમ બંગાળમાં 4.8 ટકા, બિહારમાં 4 ટકા અને તમિલનાડુમાં 3.7 વેક્સીન ડોઝ વેસ્ટ થયા છે.
આ મુદ્દે બુધવારે ખુદ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તપાસના આદેશો આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વેકસીન બરબાદ થવાનો મુદો ઉઠાવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે. મંત્રાલયે એ રાજયોની એક રિપોર્ટ તૈયાર કરી છે જયાં સૌથી વધુ વેકસીન બરબાદ થઈ છે