મુંબઇઃ શુક્રવારનો ભારતીય શેરબજાર માટે ગુડ-ફ્રાઇડે બની રહ્યો હતો કારણ કે સળંગ પાંચ દિવસના કરેક્શન બાદ સેન્સેક્સ-નિફ્ટી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વધીને બંધ થયા હતા. જ્યારે તેની અગાઉ સતત 5 દિવસની મંદીની ચાલમા સેન્સેક્સમાં 2000 પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
આજે શુક્રવારે સેન્સેક્સ 641 પોઇન્ટની મજબૂતીમાં 49858ના લેવલ બંધ થયો હતો. તો નિફ્ટી પણ 186 પોઇન્ટના સુધારામા 14744ના લેવલ સ્તરે બંધ થયો હતો. અલબત્ત આજે શેરબજાર રિકવર થવા છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે.
આજે સેન્સેક્સના 30માંથી 25 બેન્ચમાર્ક સ્ટોક વધ્યા હતા. જેમાં એનટીપીસી 4.6 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર સાડા ચાર ટકા, પાવરગ્રીડ 4.2 ટકા, રિલાયન્સ 3.6 ટકા અને આઇટીસીનો શેર 2.6 ટકા વધ્યા હતા. તેવી રીતે નિફ્ટીના 50માંથી 42 શેરમાં પોઝિટિવ ક્લોઝિંગ હતુ.
આજે મોટાભાગના ઇન્ડાઇસિસ વધીને બંધ થયા હતા જેમાં રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અપવાદરૂપ હતા. આજે પાવર ઇન્ડેક્સ સૌથી વધુ સવા ત્રણ ટકા, એનર્જી ઇન્ડેક્સ 2.7 ટકા, એફએમસીજી ઇન્ડેક્સ 2.3 ટકા વધ્યા હતા.
સુધારાની ચાલમાં બીએસઇની માર્કેટકેપ પણ 2.22 લાખ કરોડ રૂપિયા વધીને 203.44 લાખકરોડ રૂપિયા થઇ હતી.