સુરતઃ સમગ્ર ગુજરાતમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક દરે વધી રહ્યુ છે. જેની સીધી અસર ઉદ્યોગ ધંધા ઉપર પણ થઇ છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ અંગે મોટા સમાચાર આવ્યા છે. કોરોના સંક્રમણ વધતા સુરતના હીરા ઉદ્યોગે ડાયમંડ યુનિટો બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતમાં આગામી 21 અને 22 માર્ચ એટલે કે આગામી રવિવાર અને સોમવાર એમ કુલ બે દિવસ ડાયમંડ યુનિટો અને હીરા માર્કેટ બંધ રહેશે.
ડાયમંડ યુનિટો અને હીરામાર્કેટ બંધ રાખવાની માહિતી આપતો સત્તાવાર જાહેર પરિપત્ર સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં સુરત ડાયમંડ એસોસિએશનને લખ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને આજે 19મી માર્ચ, શુક્રવારના રોજ હીરા ઉદ્યોગોના અગ્રણીઓની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને મેયર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડાયમંડ યુનિટો અને હીરા બજાર આગામી 21 માર્ચ રવિવાર અને 22 માર્ચ સોમવાર એમ કુલ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, હાલ ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ સુરતમાં નોંધાઇ છે. જેને ધ્યાનમા રાખીને સુરતમાં પણ રાત્રી કરફ્યુનો સમય લંબાવવાની સાથે સાથે શનિવાર તેમજ સોમવારે તમામ મોલ અને થિયેટરો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.