ઇન્ડોનેશિયામાં વર્ષ 2004માં આવેલી ત્સુનામીમાં અનેક લોકો ગુમ થયા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ આપત્તિમાં એક પોલીસ ઓફિસરને મૃત જાહેર કર્યો હતો પરંતુ 16 વર્ષ પછી તે જીવતો મળ્યો છે. આ ઘટના તેના પરિવાર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. ત્સુનામીને લીધે મેન્ટલ બ્રેકડાઉન થતા તે છેલ્લા 16 વર્ષથી સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. એબ્રીપ એસેપના પરિવારે કહ્યું, ઇન્ડોનેશિયામાં ત્સુનામી આવી ત્યારે તે ઓન ડ્યુટી હતો. અઢી લાખ લોકોનાં મૃત્યુના સમાચાર સાંભળીને અમે ભાંગી પડ્યા હતા. એબ્રીપને શોધવાના ઘણા પ્રયત્નો કરી અર્પણ ક્યાંય તે મળ્યો નહિ. નસીબજોગે બે દાયકા પછી તેનો પરિવાર સાથે ભેટો થઇ ગયો.
નરી આંખે ત્સુનામીની તારાજી જોતા તેની માનસિક હાલત બગડી ગઈ હતી. તે ઇન્ડોનેશિયામાં જ એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. એબ્રીપના પરિવારે તેના ગમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. થોડા મહિના પછી તેના કોઈ સમાચાર ના મળતા મૃત જાહેર કરવામાં આવ્યો. એબ્રીપનો ભેટો તેના પરિવાર સાથે સોશિયલ મીડિયાને લીધે થયો. સોશિયલ મીડિયા પર એક સંબંધીએ ફેમિલી ગ્રુપમાં ફોટો શેર કર્યા હતા. આ જોઈને પરિવારનો ખુશીનો પાર ના રહ્યો. જે વ્યક્તિને મૃત માની બેઠા હતા તેને જીવતી જોવી તે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. એક સંબંધીએ કહ્યું, મને હજુ પણ વિશ્વાસ થતો નથી. આટલા વર્ષોથી તેના કોઈ સમાચાર નહોતા. બધાને એમ જ થયું કે આપત્તિમાં તેનું મૃત્યુ થયું. કોઈને પણ એવો અંદાજો નહોતો કે તે જીવિત હશે. 26 ડિસેમ્બર,2004ના રોજ આવેલી ત્સુનામીએ અનેક તારાજી કરી હતી, ઘણા પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા હતા.