આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે, આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે, પાછલાં કેટલાક વર્ષોમાં શહેરો ના વધતા વિસ્તારમાં ચકલીઓની સંખ્યા ઘટતી જઇ રહી છે. હાલની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ માળા બનાવવા જગ્યા નથી મળી શકતી.
સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પોળો નહિ રહેતા ચકલીઓને દાણા પણ નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે
ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી. આજે વિશ્વ સ્પેરો દિવસ નિમિતે માટીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લુપ્ત થઇ આ પ્રજાતિને બચાવવા નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવનારી પેઢી વાસ્તવિક રીતે ચકલી જોઈ પણ નહીં શકે અને માત્ર ફોટાઓ માં યાદો રહી જશે ત્યારે ચકલી બચાવવા દરેક લોકો એ સહયોગ આપવો પડશે અને ઝુંબેશ શરૂ કરવી પડશે.