ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થયું છે અને હાલ કોરોનાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે અગાઉ કોરોનાથી મુખ્ય અસર ફેફસાં પર જ થાય છે અને તે જ મોતનું કારણ બને છે તેવી જનમાનસમાં સામાન્ય જાણકારી છે. શહેરના અગ્રણી તબીબોનો આજે સંપર્ક સાધતા ફેફસાંમાં ઈન્ફેક્શન વગેરે તો થાય છે જ પરંતુ, હવે ખાસ કરીને બાળકોમાં અને મોટાઓમાં પણ કોરોના થયા પછી આંતરડા પર સોજો આવવા સહિતના લક્ષણો દેખાયાનું જણાવાયું છે.શહેરના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડો.પ્રફુલ કામાણીએ જણાવ્યું કે બહારનું કાંઈ ખાધુ ન હોય, રૂટીન ખાનપાન જ હોય અને અચાનક પેટમાં દુખાવો, નાના આંતરડા પર લીવર પર સોજો આવવો, ઝાડાઉલ્ટી સહિતની ફરિયાદો, નબળાઈ, પગમાં દુખાવો વગેરે લક્ષણો કોરોનાના હોય શકે છે અને આવા કેટલાક કેસો જોવા મળ્યા છે. જો કે બાળકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે , દિલ્હીમાં પણ આવા કેસો આવ્યાનું જાણમાં છે. જો કે તેમણે ઉમેર્યું કે કોરોનાના આ લક્ષણો બહુ ચિંતાજનક નથી ગણાતા.‘રાજકોટમાં કોરોનાના કેસોમાં સંક્રામકતા એટલે કે ચેપનો ફેલાવો વધ્યો છે પરંતુ, તેની ઘાતકતા ઘટી છે ‘ તેમ જણાવતા આઈ.એમ.એ.ના પ્રમુખ ડો.જય ધીરવાણીએ પણ ઉમેર્યું કે કોરોનાથી વાયરલ ગેસ્ટ્રો. જેવા લક્ષણો દેખાતા હોય છે. જો કે ફેફસાંમાં ઈન્ફેક્શન હોય તે જ વધુ હેરાન કરે છે, પેટ પર આવી અસર એટલી ચિંતાજનક નથી હોતી. કોરોનાથી બચવા કર્ફ્યુ,લોકડાઉન કેટલું ઉપયોગી તે અંગે તેમણે કહ્યું કે હવેના સમય-સંજોગો મૂજબ જ્યારે વારંવાર સૂચના છતાં ડિસ્ટન્સ જળવાતું નથી ત્યારે મહત્તમ વેક્સીન અને માસ્ક આ બે ઉપાયો જ કોરોનાથી લોકોને બચાવી શકશે.
જ્યારે આઈ.સી.યુ.ના તબીબ ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યું કે કોરોના હજુ પણ એટલો જ સંક્રામક છે અને જો સમયસર સારવાર ન મળી હોય કે ડાયાબીટીસ સહિત કોર્મોબીડ સ્થિતિ હોય તો તેની ફેફસાં, હૃદય, લોહી, મગજ, પેટ, કિડની વગેરે અંગો પર ગંભીર અસર થતી હોય છે. લોકો બેફીકર બની જાય તે વર્ષ પહેલા જેટલું જોખમી હતું એટલું જ હજું છે. ‘પરંતુ, એક વર્ષમાં સ્થિતિ એ બદલી છે કે પહેલા આ રોગ તદ્દન નવો હતો, તેની શુ અસર થાય અને તે કેમ રોકવી તેનું જ્ઞાાન સીમિત હતું પરંતુ, આ એક વર્ષમાં હજારો દર્દીઓની સારવાર કરાઈ છે ત્યારે હવે તબીબો આ રોગથી દર્દીને કેમ બચાવવો તે અંગે બધુ નહીં પરંતુ, ઘણુબધુ શિખી ચૂક્યા છે અને તે કારણે કોરોનાથી મૃત્યુનું પ્રમાણ ઘણે અંશે ઘટી ગયું છે.’તેમ તેમણે ઉમેર્યું હતું. રાજકોટની એક અગ્રણી હોસ્પિટલના વડાએ જણાવ્યું કે કેટલાક લોકોએ કોરોના વેક્સીન લીધી પછી તેમને કોરોના થયાનું જણાવ્યું છે. આવા કેસોના કારણ અંગે તેમણે કહ્યું કે ઘણાને શરદી, તાવ, નબળાઈ જેવા લક્ષણો હોય છતાં તુરંત વેક્સીન લે છે, આવા દર્દીના શરીરમાં વેક્સીનથી એન્ટીબોડી બને તે પહેલા કોરોના વાયરસની અસર થાય છે અને તે પોઝીટીવ આવે છે, તેથી જેમને કોઈ સીમ્પટમ્સ ન હોય તેવા લોકોએ જ વેક્સીન લેવી જોઈએ.