મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગુ કરવામા આવ્યું છે. અગાઉ આ લૉકડાઉન 21 માર્ચ સુધી હતું. રાજ્યના ઊર્જા મંત્રી નિતિન રાઉતે સતત વધતા કેસોને જોતા શનિવારે લૉકડાઉન 31 માર્ચ સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ નાગપુર ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ પ્રતિબંધો સંબંધિત આકરા નિર્ણયો લેવાયા હતા.જે હેઠળ નાસિકમાં સાંજના 7 થી સવારના 7 સુધી તમામ દુકાનો-સંસ્થા બંધ રહેશે. ઠાણેમાં 31 માર્ચ સુધી 16 હૉટસ્પૉટ્સ પર લૉકડાઉન લાગુ કરાયું. ઉસ્માનાબાદમાં રાતે 9 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. અહીં વિકેન્ડ માર્કેટ બંધ રહેશે અને રવિવારે પૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે. પુણેમાં રાતના 11 થી સવારના 6 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરાશે. સાંજના સમયે પાર્ક બંધ રહેશે. હોટલ અને રેસ્ટોરાં રાતના 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે. ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત 23,623 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 188 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,588 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,55,284 લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 1,11,07,332 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે.
