મુંબઈમાં ભારે ચકચાર જગાવનાર મુકેશ અંબાણીના ઘરની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યા કેસ માં એટીએસે 2 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક મુંબઈ પોલીસનો સસ્પેન્ડ કર્મચારી અને બીજો ક્રિકેટ-બુકી છે. કોર્ટે બંનેને 30 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે. શરૂઆતની તપાસમાં ATS સચિન વઝેને આ મર્ડર કેસ નો સૂત્રધાર મનાઈ રહ્યો હતો અને તે દિશા માં તપાસ કરતા મહત્વ ની કડીઓ મળી હતી.
ATSના રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે મનસુખ હિરેનની હત્યાના મામલામાં સસ્પેન્ડે થયેલા કોન્સ્ટેબલ વિનાયક બાળાસાહેબ શિંદે(51) અને ક્રિકેટ-બુકી નરેશ રમણિકલાલ ગોરે(31)ની ધરપકડ કરાઈ છે. બંને આરોપી સસ્પેન્ડ કરાયેલા સહાયક પોલીસ નિરીક્ષક સચિન વઝેની સાથે મનસુખની હત્યામાં સામેલ હતા.
ATSએ મનસુખની પત્ની વિમલા હિરેનની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે મનસુખની હત્યાના સમયે સઝિન વઝે ઘટનાસ્થળે હાજર ન હતા. ATSને એવા પુરાવા પણ મળ્યા છે કે આ હત્યામાં કેટલાક બીજા લોકો પણ સામેલ હતા, જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ હોઈ શકે છે. આ કારણે આ મામલામાં બીજા કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે છે.
ATSનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર સચિન વઝેએ રચ્યું હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્ર રચવામાં મદદ કરી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ તથ્યો બહાર આવી જવાના ડરથી બીજું એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી. 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવવામાં આવ્યો
હાથ અને મોઢું બાંધીને જીવતો જ બારીમાંથી ફેંકી દેવામાં આવ્યો
5 માર્ચે મુંબ્રાની રેતી બંદર સ્થિત ખાડી(સમુદ્ર)માં મનસુખની લાશ મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મનસુખનું મોઢું અને હાથ બાંધીને તેને જીવતો જ બારીમાંથી ફેંકી દેવામાં આવ્યો.
ATS પહેલાં NIAને મનસુખની હત્યાના મહત્ત્વના પુરાવા મળી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનસુખના મામલાની તપાસ NIAને સોંપ્યાના થોડા કલાકોમાં જ ATSએ બે લોકોની ધરપકડ કરી લીધી હતી.
આમ આ કેસ માં સચિન વઝે અને તેના સાથીઓ વિરુદ્ધ પુરાવા મળી રહ્યા છે.