નવી દિલ્હીઃ કોરોના મહામારી અને લોકડાઉનથી લોકોને કમરતોડ આર્થિક ફટકો લાગ્યો છે. આ સંકટકાળમાં લોકોની આવકમાં જંગી ઘટાડો થયો, બચત પણ તળિયા ઝાટક થઇ ગઇ તે ઉપરાંત દેવાના બોજમાં પણ ધરખમ વધારો થયો છે. ભારતીય મધ્યસ્થ બેન્કના તાજેતરના આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં પરિવારો પરનું દેવું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના 37.1 ટકા પર પહોંચી ગયું છે. તે જ રીતે, પરિવારોની બચત આ સમયગાળા દરમિયાન નીચલા સ્તરે 10.4 ટકા પર આવી ગઈ છે. મહામારીએ લાખો લોકોને બેરોજગાર બનાવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોનો પગાર ઘટ્યો છે. આને કારણે લોકોએ પોતાની બચતમાંથી ખર્ચ પૂરો કરવો પડ્યો છે અને વધુ લોન લેવી પડી છે.
પ્રાપ્ત આંકડાઓ મુજબ બીજા ત્રિમાસિકગાળામાં કુલ લોન માર્કેટમાં પરિવારોનો હિસ્સો વાર્ષિક ધોરણે 1.30 ટકા વધીને 51.5 ટકા થયો છે. રિઝર્વ બેંકના માર્ચ બુલેટિન મુજબ, મહામારીની શરૂઆતમાં લોકો બચત કરવા તરફ વળ્યા હતા. આને કારણે, 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘરેલું બચત જીડીપીના 21 ટકા સુધી પહોંચી, પરંતુ બીજા ક્વાર્ટરમાં તે 10.4 ટકા પર આવી ગઈ. જો કે, 2019-20ના બીજા ક્વાર્ટરમાં તે 9.8 ટકાથી વધુ છે.
રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે, જ્યારે અર્થવ્યવસ્થા સ્થિર થાય છે અથવા ઘટે છે, ત્યારે પરિવારોની બચતમાં વધારો થાય છે. તે જ રીતે, જ્યારે અર્થતંત્ર સુધરે છે ત્યારે બચત ઓછી થાય છે, કારણ કે લોકોનો ખર્ચ કરવાનો આત્મવિશ્વાસ વધે છે. આ કિસ્સામાં પ્રથમ ક્વાર્ટરમાં ફેમીલીની બચત જીડીપીના 21 ટકા સુધી પહોંચી છે. તે સમયે જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો હતો. પરિવારોની બચત જીડીપીના 1.70 ટકા સુધી પહોંચી ગઈ હતી. પાછળથી, અર્થવ્યવસ્થામાં સુધારા સાથે બચતમાં પણ ઘટાડો થવા લાગ્યો. આંકડાઓ મુજબ પરિવારોના દેવાથી જીડીપી રેશિયો 2018-19ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી સતત વધી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પરિવારોનું દેવું જીડીપીના 37.1 ટકા પર પહોંચ્યું છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 35.4 ટકા હતું. બીજા ક્વાર્ટરમાં કુલ દેવું બજારમાં પરિવારોના દેવાનો હિસ્સો પણ 1.3 ટકા વધીને 51.5 ટકાએ પહોંચ્યો છે.