“અત્તરની શીશી તૂટી છે, સુગંધ બધે ફેલાશે…” ખામેનેઈના મોત પર ઈરાને અમેરિકા-ઈઝરાયેલને આપી મોટી ધમકી!
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ દેશમાં ચાલી રહેલો એક સપ્તાહ લાંબો જાહેર શોક હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. તેહરાનના ઇમામ ખોમેની ગ્રાન્ડ મોસાલ્લા ખાતે આયોજિત અંતિમ સંસ્કારની પ્રાર્થના દરમિયાન ભારે જનમેદની ઉમટી પડી હતી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ “ડેથ ટુ અમેરિકા” (અમેરિકાનું મોત), “ડેથ ટુ ઇઝરાયેલ” અને “કિલ ટ્રમ્પ એન્ડ બીબી” (ટ્રમ્પ અને નેતાન્યાહુને મારી નાખો) જેવા આક્રોશપૂર્ણ નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પશ્ચિમ એશિયામાં ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ભીષણ યુદ્ધના કારણે આ અંતિમ સંસ્કાર વિધિમાં વિલંબ થયો હતો.
આ ઐતિહાસિક સભામાં લાખોની સંખ્યામાં શોકાતુર લોકો ઈરાનના રાષ્ટ્રધ્વજ, ખામેનેઈની તસવીરો અને બદલાનું પ્રતીક ગણાતા લાલ ધ્વજ સાથે સામેલ થયા હતા. કાર્યક્રમના આયોજકોએ આ ભીડને ઈરાનની સ્થિતિસ્થાપકતા અને તેની સ્વતંત્રતાની રક્ષા માટેના અડગ સંકલ્પના પ્રદર્શન તરીકે રજૂ કરી હતી. આ મુખ્ય વિધિ બાદ હવે તેહરાનમાં એક વિશાળ સરઘસ કાઢવામાં આવશે, ત્યારબાદ ખામેનેઈના પાર્થિવ દેહને પ્રથમ કોમ (Qom) અને પછી ઈરાકના બે પવિત્ર શહેરોમાં લઈ જવામાં આવશે. અંતે, ૧૯૩૯માં જ્યાં તેમનો જન્મ થયો હતો તે મશહદ શહેરમાં તેમને દફનાવવામાં આવશે.

અંતિમ સંસ્કારમાં બદલાની ગૂંજ: “ટ્રમ્પની હત્યા અમારી જવાબદારી”
સમગ્ર અંતિમયાત્રા અને પ્રાર્થના સભામાં શોકની લાગણી કરતાં પણ વધુ અમેરિકા અને ઈઝરાયેલ સામે વેર લેવાની ભાવના પ્રબળ દેખાઈ રહી હતી. નમાજ પહેલાં આયોજિત એક કાવ્ય પઠન દરમિયાન પ્રખ્યાત ઈરાની કવિ મોહમ્મદ રસૂલીએ આક્રોશ ઠાલવતા જાહેર કર્યું, “હવેથી આ કફન જ અમારું વસ્ત્ર છે. હું તમારા લોહીના સોગંદ ખાઈને કહું છું; ટ્રમ્પની હત્યા કરવી એ હવે અમારી જવાબદારી છે.”
તેમણે સભા સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સુધી જીવિત કેમ છે? જો ખામેનેઈના મોત માટે જવાબદાર લોકોને જીવતા છોડી દેવામાં આવે તો તે સમગ્ર દેશ માટે કલંક સમાન ગણાશે. જોકે આ કવિતા પર ત્યાં હાજર કેટલાક લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી, પરંતુ બહુમતી જનતાએ જોરશોરથી નારા લગાવીને આ વાતને સમર્થન આપ્યું હતું. તાબૂતોની નજીક અંગ્રેજીમાં સ્પષ્ટ અક્ષરોમાં લખવામાં આવ્યું હતું: “Kill Trump” (ટ્રમ્પને મારી નાખો). સમગ્ર વિધિ દરમિયાન લોકો એક જ સૂરે બોલતા હતા, “કોઈ સમજૂતી નહીં, કોઈ આત્મસમર્પણ નહીં, માત્ર બદલો!”
ઈરાની નેતાઓની હાજરી, પણ નવા સુપ્રિમ લીડર મોજતબા ગેરહાજર
આ પવિત્ર અંતિમ પ્રાર્થનાઓનું નેતૃત્વ કોમના ૯૭ વર્ષીય વયોવૃદ્ધ આયાતોલ્લા જાફર સોભાનીએ કર્યું હતું. ખામેનેઈની સાથે તેમના પરિવારના અન્ય ચાર સભ્યો માટે પણ વિશેષ પ્રાર્થનાઓ પઢવામાં આવી હતી, જેમાં તેમની પુત્રવધૂ ઝહરા હદાદ આદેલ અને માત્ર ૧૪ મહિનાની પૌત્રી ઝહરા મહોમ્મદી ગોલપાયગાનીનો સમાવેશ થાય છે. આ માસૂમ બાળકીના નાના તાબૂતે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી અને તે આ સમારોહની સૌથી ભાવુક ક્ષણ બની રહી હતી.
આ પ્રસંગે ઈરાનની રાજકીય, સૈન્ય અને ન્યાયિક વ્યવસ્થાની તમામ ટોચની હસ્તીઓ હાજર રહી હતી. અલ-કુદ્સ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ કાની અને આઈઆરજીસી (IRGC)ના કમાન્ડર અહમદ વહીદીની હાજરીએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ નેતાઓની હાજરી દર્શાવતી હતી કે ઈરાનને પૂર્ણ વિશ્વાસ હતો કે અમેરિકા સાથે થયેલ યુદ્ધવિરામ (Ceasefire) આટલી મોટી જનમેદની પર કોઈ હુમલો થવા નહીં દે.
જોકે, આ બધાની વચ્ચે એક મોટો આશ્ચર્યજનક વિષય એ રહ્યો કે પિતાના અવસાનના ૧૦ દિવસ બાદ જ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત થયેલા મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei) આ કાર્યક્રમમાં ક્યાંય દેખાયા નહોતા. તેમના ભાઈઓ મુસ્તફા, મસૂદ અને મેયસમ પિતાના તાબૂદ પાસે કતારબદ્ધ ઉભા હતા, પણ મોજતબાની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે મોજતબા અગાઉના હુમલાઓમાં ઘાયલ થયા હતા, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તે અફવાઓનું સખત ખંડન કર્યું હતું જેમાં દાવો કરાયો હતો કે તેમનો ચહેરો કાયમી ધોરણે વિકૃત થઈ ગયો છે અથવા તેમનો કોઈ અંગ કાપવો પડ્યો છે.

ઈરાની સત્તાધીશોનો સૂર: “અમે અટકવાના નથી”
ખામેનેઈના અવસાન છતાં ઈરાન પોતાના ભવિષ્યના એજન્ડા પર મક્કમ છે તેવું નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થતું હતું. આર્મેનિયામાં ઈરાનના રાજદૂત ખલીલ શિરગોલામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પ્રતીકાત્મક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, “તમે આયાતોલ્લા ખામેનેઈની હત્યા ભલે કરી દીધી હોય, પરંતુ વાસ્તવમાં તમે અત્તરની એક એવી શીશી તોડી નાખી છે, જેની સુગંધ હવે ચારેય તરફ ફેલાઈ ગઈ છે.” એટલે કે તેમનો વિચાર હવે વધુ તીવ્રતાથી આગળ વધશે.
બીજી તરફ, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહમ્મદ બાગેર જોલગાદ્રે જણાવ્યું હતું કે આ અંતિમયાત્રામાં ઉમટેલી અભૂતપૂર્વ ભીડ દુનિયાને બે સ્પષ્ટ સંદેશા આપી રહી છે – પહેલો સંદેશ ઈરાનના દુશ્મનો સામે અડગ રહીને પ્રતિકાર કરવાનો છે, અને બીજો સંદેશ પોતાના દિવંગત નેતાના મોતનો ભયાનક બદલો લેવાનો છે. આ ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં પશ્ચિમ એશિયાનું રાજકારણ અને સુરક્ષા વ્યવસ્થા વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.