મુંબઇઃ ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત જ નેગેટિવ ટ્રેન્ડ સાથે થઇ છે. સપ્તાહના પહેલા જ દિવસ સોમવારે સેન્સેક્સ-નિફ્ટી ઘટીને બંધ થયા હતા. આજે સોમવારે સેન્સેક્સ સેશન દરમિયાન મોટી વધઘટ બાદ 87 પોઇન્ટના પીછેહઠ સાથે 49771ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી માત્ર 7.6 પોઇન્ટના ઘટાડે 14736ના મથાળે બંધ થયો હતો. આજે સેન્સેક્સના 30માંથી 15 શેર ડાઉન હતા જેમાં સૌથી વધુ જેટલા બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટોક હતા. એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, પાવરગ્રીડ અને ઇન્ડ્સઇન્ડ બેન્ક એકથી સાડા ચાર ટકા જેટલા તૂટ્યા હતા. તેવી જ રીતે નિફ્ટીના પણ 50માંથી 19 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા.
આજે સેન્સેક્સ ઘટવા છતાં બીએસઇની માર્કેટકેપ વધી હતી. બીએસઇ ખાતે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન આજે 204.37 અબજ ડોલર થઇ હતી જે ગત શુક્રવારે 203.44 લાખ કરોડ રૂપિયા નોંધાઇ હતી. આજે બીએસઇ ખાતે 1599 કંપનીઓના શેર વધીને જ્યારે 1444 કંપનીઓના શેર ઘટીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
આજે બેન્ક નિફ્ટી 558 પોઇન્ટ તૂટીને 33603ના મથાળે બંધ થયો છે. તેના 12માંથી 11 બેન્કિંગ સ્ટોક ડાઉન હતા. બીએસઇનો બેન્કેક્સ પણ દોઢ ટકાની નરમાઇમાં 37889 બંધ થયો હતો અને તેના 10માંથી 9 શેર નુકસાનીમાં હતા. આજે સેક્ટોરિયલ ઇન્ડાઇસમાં રિયલ્ટી સૌથી વધુ 2.9 ટકા અને ટેક ઇન્ડેક્સ દોઢ ટકા, આઇટી ઇન્ડેક્સ પોણા બે ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સ 1 ટકા સુધર્યા હતા. બોર્ડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ પોણાથી એક ટકા મજબૂત થયા હતા.