નવી દિલ્હીઃ ખરીદદારોની દ્રષ્ટિએ સોના-ચાંદી માટે નવા સપ્તાહની એકંદરે સારી રહી છે કારણ કે બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. દિલ્હીના ઝવેરી બજારમાં આજે સોમવારે સોનું 302 રૂપિયા ઘટીને 44269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતુ તો ચાંદીમાં આજે 1533 રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 66,852 રૂપિયા થઇ હતી. જ્યારે ગત સપ્તાહે શનિવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 44,571 રૂપિયા અને ચાંદીની કિંમત પ્રતિ એક કિગ્રા દીઠ 66,852 રૂપિયા થઇ હતી.
આજે સોમવારે હાજર બજારની સાથે-સાથે વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઇ તરફી માહોલ હતો. જેમાં એમસીએક્સ ખાતે સોનું 44,900 રૂપિયાની નીચે ક્વોટ થઇ રહ્યુ હતુ. તો ચાંદીનો ભાવ 1200 રૂપિયાના ઘટાડે 66,300 રૂપિયાની નીચે બોલાઇ રહ્યો હતો.
આજે સોના અને ચાંદીના ભાવ ઘટવાનું મુખ્ય કારણ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ અને સ્થાનિક બજારમાં ઓછી માંગ છે.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 300 રૂપિયા ઘટ્યા અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,500 રૂપિયા થઇ હતી. તો ચાંદીમાં આજે 1000 રૂપિયાનો કડાકો બોલાયો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 67,000 રૂપિયા થઇ હતી.
આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદી બંને વધ્યા હતા. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સાડા આઠ ડોલર વધીને 1746 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો ચાંદી પણ સાધારણ સુધરીને 26.35 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.