છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓએ DRG જવાનોથી ભરેલી બસમાં વિસ્ફોટ કર્યો છે. આ હુમલામાં 4 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે 14 જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સમયે બસમાં 24 જવાન હતા. ઘટનાની જાણ થતા જ બેકઅપ ફોર્સ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. તમામ જવાન એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. છત્તીસગઢના DGP ડીએમ અવસ્થીએ ઘટનાની પૃષ્ટિ કરી છે. મળેલી માહિતી પ્રમાણે જીલ્લાના કડેનાર વિસ્તારમાં ધૌડાઈ અને પલ્લેનાર વચ્ચે ગાઢ જંગલ છે. નક્સલવાદીઓએ અહીં બસને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો છે. આ જવાનો મંદોડા જઈ રહ્યા હતા. અત્યારે જવાનોનું રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નક્સલવાદીઓએ 17 માર્ચના રોજ શાંતિ મંત્રણા માટે એક પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. નક્સલવાદીઓએ તે વખતે જણાવ્યું હતું કે પ્રજાના કલ્યાણ માટે છત્તીસગઢ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
