રાજ્યમાં કોરોના વકર્યો છે અને ભીડ નહિ કરવા આદેશ અપાયા છે તેવે સમયે ગુજરાત વિધાનસભા ની કામગીરી ચાલુ રહેતા હવે કોરોના વિધાનસભા ગૃહ માં ઘૂસી ગયો છે અને આજે એકજ દિવસ માં પાંચ ધારાસભ્યો નો કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
કોરોના પોઝીટિવ આવેલા ધારાસભ્યો માં વિજય પટેલ, ભીખા બારૈયા, પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે.
એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતા અન્ય નેતાઓ પણ ફફડી ઉઠ્યા છે.
ઉપરાંત દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી કોરોના પોઝીટીવ આવતા ગાંધીનગરમાં જ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટિન થયા છે. થાક અને અશક્તિ લાગતા રીપોર્ટમાં કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતુ. આજે સવારે તેઓ ગૃહમાં પણ હાજર હતા.
રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય તાવ અને કળતર જેવું જણાતા તેઓ આજે ગૃહમાં આવ્યા નહોતા. જોકે ધર્મેન્દ્ર સિંહના લક્ષણો જોતા તેમને અન્ય સારવારની સાથે સાથે કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જોકે હાલમાં અમદાવાદ યુ.એન મહેતાની મેડીકલ ટીમ તેમના મંત્રી નિવાસસ્થાને પહોંચશે, જ્યાં જરૂરી તમામ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ પણ કરશે. તેમ તેમના ઓફીસ કાર્યાલય દ્વારા જાણવા મળ્યું હતું
આ ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્યોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.
આમ હવે કોરોના વિધાનસભા ગૃહ માં પહોંચી જતા નેતાઓ માં ભારે ટેંશન ઉભું થયું છે.
