રાજ્ય માં સરકારી યોજનાઓ માં થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે હવે વિપક્ષ પુરાવા સાથે રજુઆત કરતા થયા છે જેથી સરકાર ની મુંઝવણ વધી છે. વિધાનસભામાં કૃષિ-ગ્રામ વિકાસના બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કહ્યું કે મનરેગામાં વ્યાપક ગેરરીતિઓ ચાલે છે. સરકારી નોકરી હોય તેવા કર્મચારીઓ પણ ચોપડે મજૂર બની ગયા છે અને જોબકાર્ડ લઇ લીધા છે. મોહનસિંહ રાઠવાએ કેટલાક કર્મચારીઓના નામ સાથેની વિગતો વિધાનસભામાં રજૂ કરતા કહ્યું કે સરકારમાં હિંમત હોય તો ગુનો દાખલ કરે ને ખેડૂતોને ન્યાય આપે.
આમ એક તરફ સામાન્ય માણસો ધંધા અને રોજગાર ના ફાંફાં છે ત્યારે સરકાર માં ઊંચા પગારે નોકરી કરતા લોકોને પગાર પણ ઓછા પડે છે અને કાયદેસર મજૂર ના હક્ક ના પૈસા પણ ઓહિયા કરી જતા હોવાની હકીકત બહાર આવતા સરકાર માં ચાલતા અંધેર વહીવટ ની વાતો ખુલ્લી પડી ગઇ છે.
