મુંબઇઃ આજે ભારતમાં કોવિડ-19 લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયુ છે અને તેને શ્રદ્ધાંજલી આપી હોય તેમ ભારતીય શેરબજારમાં એક મહિનાનો સૌથી મોટો કડાકો બોલાયો અને તે મહિનાની નીચી સપાટીએ બધ થયા હતા. લોકડાઉનના એક વર્ષ બાદ પણ ભારતમાં કોરોના મહામારી યથાવત્ રહેતા રોકાણકારો દહેશત અનુભવી રહ્યા છે.
આજે સેન્સેક્સ જંગી વેચવાલીના દબાણથી ઇન્ટ્રા-ડે 49120ની બોટમને સ્પર્શ્યા બાદ સેશનના અંતે 871 પોઇન્ટના કડાકામાં 49180ના લેવલે બંધ થયા હતા જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો કડાકો હોવાની સાથે સાથે મહિનાની સૌથી નીચું ક્લોઝિંગ લેવલ છે. તો નિફ્ટી પણ 14535ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે 265 પોઇન્ટના ધોવાણમાં 14549 બંધ થયો હતો. આજે સેન્સેક્સના 30માંથી 28 શેર તૂટ્યા હતા. તો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સના 50માંથી 47 સ્ટોક રેડ ઝોનમાં બંધ થયા હતા.
રોકાણકારોની જંગી વેચવાલીથી શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો અને તમામ ઇન્ડાઇસિસ ડાઉન હતા. જેમાં મિડેકપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પોણા બે ટકા જેટલા તૂટ્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 3 ટકા, મેટલ 2.75 ટકા, ઓટો 2.6 ટકા બેન્કેક્સ અઢી ટકા, કેપિટલ ગુડ્સ, એનર્જી અને ફાઇનાન્સ ઇન્ડેક્સ બે ટકા જેટલા તૂટ્યા હતા.
રોકાણકારોને કેટલુ નુકસાન થયુ
આજે બુધવારે ભારતીય શેરબજારમાં એક મહિનાનો સૌથી મોટો કડાકો બોલાતા બીએસઇ ખાતે તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 3.25 લાખ કરોડ રૂપિયા ઘટીને 202.51 લાખ કરોડ રૂપિયા થઇ હતી જે ગત બુધવારે બીએસઇની માર્કેટકેપ 205.76 લાખ કરોડ રૂપિયા હતી.