નવી દિલ્હીઃ હાલ હોળાષ્ટક અને લગ્ન જેવા શુભપ્રસંગો પણ બંધ હોવાથી સોના-ચાંદીની રિટેલ બજારમાં ઘરાકી ઓછી છે. ઉપરાંત વૈશ્વિક બુલિયન બજારમાં નરમાઇના લીધે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. આજે બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવ 149 રૂપિયા ઘટ્યા હતા અને પ્રતિ 10 ગ્રામની કિંમત 44,350 રૂપિયા થઇ હતી. તો ચાંદી 866 રૂપિયા સસ્તી થઇ હતી અને આજે પ્રતિ એક કિગ્રાની કિંમત 64,607 રૂપિયા થઇ હતી. દિલ્હીમાં ગઇકાલે સોનાની કિંમત 44,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 65,473 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતો.
દેશાવર બજારોની વાત કરીયે અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 100 રૂપિયા સસ્તુ થયુ હતુ અને પ્રતિ 10 ગ્રામની કિંમત 46,600 રૂપિયા થઇ હતી. તો ચાંદીની કિંમત 700 રૂપિયા ઘટી અને પ્રતિ એક કિગ્રાનો ભાવે 66,300 રૂપિયા થયો હતો.
આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ નેગેટિવ ટ્રેન્ડમાં 12 ડોલર જેટલા ઘટીને 1728 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદી પણ ઘટીને 25.12 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી. આજે અમેરિકન ડોલર સામે રૂપિયો 6 પૈસા નબળો પડ્યો અને 72.43ના સ્તરે બંધ થયો હતો.
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલનું કહેવુ છે કે, અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી બુલિયન માર્કેટમાં હાલ નરમાઇનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોલર મજબૂત થવાથી સોના-ચાંદી ઘટી રહ્યા છે. આના લીધે જ ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો નબળો પડવા છતાં પણ સ્થાનિક બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટી રહ્યા છે.