યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુ.ટી.આઈ.) સ્ત્રીજીવનની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા ઘણી સ્ત્રીના શા-રીરિક બંધારણ સાથે જોડાયેલી હોય છે. મૂત્રનળી (યુરેથ્રા) કુદરતી રીતે યોનિની બિલકુલ સાથે જોડાયેલી હોય છે. એ કારણે કામકીડા વખતે તેને થોડીઘણી અસર થવાનો ડર રહે છે. ઉંમરલાયક સ્ત્રીમાં યુરેથ્રાની કુલ લંબાઈ માત્ર દોઢ ઇંચની હોય છે. તેના કારણે મૂત્રછિદ્ર દ્વારા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રાશયમાં ઘૂસી શકે છે. ભાગમાં સ્થિત હોવાને કારણે મૂત્રછિદ્ર ગુદાની નજીક છે અને પરિણામે ગુદામાં રહેલા બેક્ટેરિયા સહેલાઈથી મૂત્રછિદ્ર સુધી પહોંચી જઈ શકે છે. આ શારીરિક વાસ્તવિકતા જ સ્ત્રીનાં મૂત્રાશયમાં ચેપનું કારણ બને છે.પરિણીત જીવનની શરૂઆતમાં ઘણી સ્ત્રીઓના હાથોની મેંદી પણ ઊતરી હોતી નથી કે તે બીમારી તેને ઘેરી લે છે. નવપરિણીતામાં અતિશય જાતીય સક્રિયતાને કારણે ખરેખર મૂત્રનળીમાં ચેપની શક્યતા વધુ હોય છે. મોટી ઉંમરના જીવનની સરખામણીમાં આ વધુ હોય છે એટલે આ બીમારી હનીમૂન સિસ્ટાઈસિસના નામથી પણ ઓળખાય છે. યુ.ટી.આઈ. તરફ બચપણથી જ સજાગ અને સતર્ક રહેવું જરૂરી છે. કેટલાક સરળ નિયમ અપનાવી તેનાથી બચી શકાય છે. બચપણથી વ્યક્તિગત સ્વચ્છતા અને તનની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્નાનના સમયે શરીરનાં અન્ય અંગોની સફાઈની સાથે ગુપ્તાંગની સ્વચ્છતા પ્રતિ સજાગ રહો. આંતરવસ્ત્રો સુતરાઉ હોય, નાઈલોનનાં નહીં. જેથી જનનાંગીય વિસ્તારમાં આવતો પરસેવો અને સામાન્ય સ્રાવને સહેલાઈથી ચૂસી લઈ શકે અને બેક્ટેરિયાને માટે અનુકૂળ પરિસ્થિતિ ન મળી શકે. બાથરૂમ જવાની ઇચ્છા થાય ત્યારે તરત ઊભા થઈ જવું. ઘણીવાર કામના લીધે આપણે હાજતને રોકી રાખીએ તે બરાબર નથી. મૂત્ર રોકવાથી બેક્ટેરિયા વધી જવાનો સંભવ રહે છે. છતાં પણ જો ક્યારેક યુ.ટી.આઈ. થાય ત્યારે તરત ડોક્ટર પાસેથી ઈલાજ કરાવવો જરૂરી છે. આ ઈલાજમાં ઘણી એન્ટિબાયોટિક દવાઓ અસરકારક છે. તેનો પૂરો લાભ ત્યારે જ મળે છે, જ્યારે દવા પૂરી માત્રામાં, નિયમ પ્રમાણે લેવાય. અધૂરી માત્રામાં દવા લેવી ભયજનક હોય છે, કારણ કે તેનાથી અનેક રોગ માત્ર દબાઈ જાય છે, ખતમ થતાં નથી અને બીમારી થોડા દિવસ પછી પહેલાંથી વધુ ગંભીર રૂપ લઈને પાછી આવે છે.
