ગુજરાતમાં છેલ્લા બે વર્ષની અંદર કુલ 13,496 નવજાત જન્મ લેતાંની સાથે જ મોતને ભેટ્યા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે આ સ્વીકાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને સીક ન્યુબોર્ન કેર (જન્મ લેતાંની સાથે જ સારવારની જરૂર પડી હોય તેવા બાળકો) અંગે પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં બે વર્ષમાં 1,06,017 બાળકો સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા, તે પૈકી 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે 38,561 બાળકો સરકારી હોસ્પિટલ સિવાય જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યુબોર્ન કેર યુનિટમાં તબદીલ થઈને દાખલ થયા હતા. જે પૈકી 13,496 બાળકો મૃત્યુ પામ્યા હતા. એકંદરે રાજ્યમાં દરરોજ 18 કરતાં વધુ બાળકો જન્મ લેતાની સાથે જ ગણતરીના દિવસોમાં મૃત્યુ પામ્યા છે.રાજ્યમાં કુલ 1,06,07 બાળકોનો જન્મ થયો હતો.જેમાંથી 13,496 બાળકો મોતને ભેટ્યા છે.
