હોળી-ધૂળેટીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમિયાન મિશ્ર વાતાવરણને કારણે બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તો વૈશ્વિક મહામારી સમો કોરોના વાયરસ કે જે આખી દુનિયા પર હાવી થયો છે. બીજી તરફ હોળી-ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં કામધેનુ આયોગ દ્વારા વૈદિક હોળી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના ગોબર, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાયરસને નિયંત્રણ કરી શકાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. કામધેનુ આયોગના મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશ અને વિશ્વમાં જ્યાં જ્યાં હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવાતી હોય છે ત્યાં અમે એક એવો પ્રયત્ન કર્યો છે કે, વૈદિક હોળી ઉજવાય. ગાયને આપણે કામધેનુ કહીએ છીએ. તેના પંચગવ્યથી દેશના અર્થકારણની કાયાપલટ બદલી શકે છે. ગાયનું ગોબર જે વેસ્ટમાં જાય છે તેનું પણ મૂલ્ય ખેડૂતો અને પશુપાલકોને મળે અને ખાસ કરીને ગૌશાળા-પાંજરાપોળને મળે તવો પ્રયત્ન કર્યો છે. ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે તે પણ લોકોમાં સમજાવાનો પ્રયત્ન કર્યો છે. ગાયના ગોબરમાંથી બનતા છાણા, અને તેમાંથી બનતો કલક પણ લોકો કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ઉપયોગ કરી ઉજવણી કરે.
