કંપનીઓના માલિકી અને લેભાગુઓને કાયદા-કાનૂનનો કોઇ ડર રહ્યો નથી અને બેખોફ બની સરકાર સાથે સાથે કરોડો રૂપિયાની છેતરપીંડિ કરી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે. દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારને પણ 14000 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. કંપનીએ બોગસ દસ્તાવેજો બનાવીને પીએમ આવાસ યોજના હેઠળ મોટું કૌભાંડ આચર્યુ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
CBI એ આ કેસમાં કંપનીના બંને પ્રમોટર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નોંધનિય છે કે, DHFLના બંને પ્રમોટર્સ બ્રધર્સ હાલ મની લોન્ડરિંગના કેસમાં જેલમાં બંધ છે. સીબીઆઇના મતે કપિલ વાધવાન અને ધીરજ વાધવાન એ હોમ લોન એકાઉન્ટ સંબંધિત નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. જે હેઠળ તેમણે 11,755 કરોડ રૂપિયા અને એક મોટા અંદાજ મુજબ 14,000 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવ્યુ હતુ. તેમાંથી 1880 કરોડ રૂપિયા વ્યાજની સબસિડી હેઠળ મેળવ્યા હતા. સબસિડીની આ રકમ એવા લોકોને મળવી જોઇતી હતી જેમણે હોમ લોન લીધી છે.
પાછલા વર્ષે જ ગ્રાન્ટ થોર્ટને ફોરેન્સિક રિપોર્ટ જમા કરી હતી. આ રિપોર્ટમાં જાણવા મળ્યુ કે, DHFL એ હજારો બોગસ લોન એકાઉન્ટ બનાવ્યા છે. વર્ષ 2007થી 2019ની દરમિયાન કુલ 2,60,315 બોગસ લોન એકાઉન્ટ બનાવવામાં આવ્યા. ત્યારબાદ બાન્દ્રાની કંપનીમાં 11,755.79 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. ફાઇનલ રિપોર્ટમાં લગભગ 91 આવી બોગસ કંપનીઓ અંગે માહિતી મળી છે. એવી માહિતી પણ સામે આવી કે આ લોન જારી કરતા પહેલા કોઇ પણ પ્રકારની જામીનગીરી કે કોલેટરલ સુધી જમા કરવામાં આવ્યા ન હતા.