મુંબઇઃ કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધવાની સાથે-સાથે ભારતીય શેરબજારમાં મંદી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. સતત બીજા દિવસે ભારે પ્રોફિટબુકિંગના દબાણ ભારતીય શેરબજારમાં ફરી મોટો કડાકો બોલાયો અને તેના લીધે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટકેપમાં જંગી ધોવાણ થતા તે 200 લાખ કરોડ રૂપિયાની નીચે જતી રહી હતી. આજે માર્ચ મહિનાની એફએન્ડઓ એક્સપાયરી હોવાથી પણ શેરબજાર ભારે વોલેટાઇલ હતુ.
આજે ગુરુવારે સેન્સેક્સ સેશન દરમિયાન ઇન્ટ્રા-ડે ટોચથી 1011 પોઇન્ટના ધબડકામાં 48,236ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે 740 પોઇન્ટના કડાકામાં 48,440ના સ્તરે બંધ થયો હતો જે બંધની રીતે જાન્યુઆરી પછીની સૌથી નીચી સપાટી છે. તો નિફ્ટી મોટી વધઘટ બાદ અંતે 224 પોઇન્ટ તૂટી 14324 બંધ થયો હતો. આજે પણ ભારે નફાવસૂલી રહેતા સેન્સેક્સના 50માંથી 26 શેર તૂટ્યા હતા. તો નિફ્ટીના 50માંથી 45 બ્લુચિપ સ્ટોક રેડ ઝોનમાં બંધ હતા. આજે ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 3.2 ટકા તૂટ્યો હતો. આમ વિતેલા દિવસમાં સેન્સેક્સમાં 1611 પોઇન્ટ અને નિફ્ટીમાં 489 પોઇન્ટનો કડાકો આવ્યો નોંધાયો છે.
શેરબજારમાં કડાકાના પગલે બીએસઇની માર્કેટ વેલ્યૂએશનમાં પણ મોટુ ધોવાણ થયુ છે. આજે ગુરુવારે બીએસઇની માર્કેટકેપ 3.75 લાખ કરોડ રૂપિયા ઘટીને 198.75 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે જે 4 ફેબ્રુઆરી પછીની સૌથી નીચું બજાર મૂલ્ય છે તે દિવસે પ્રથમવાર બીએસઇની માર્કેટકેપ 200 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક સપાટીને વટાવી ગઇ હતી. ગત બુધવારે બીએસઇની માર્કેટકેપ 202,51 લાખ કરોડ રૂપિયા હતી.