દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પુનાવાલાએ લંડનમાં એક આલીશાન હવેલી ભાડે રાખી છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, આ હવેલી લંડનના પોશ વિસ્તારમાં આવેલી છે. અદાર પુનાવાલા આ આલીશાન બંગલાના ભાડા તરીકે દર મહિને 50,000 પાઉન્ડ એટલે કે લગભગ 50 લાખ રૂપિયા ચૂકવશે.
અદાર પુનાવાલાએ લંડનમાં આ હવેલી પોલેન્ડના અબજોપતિ ડોમિનિકા કુલજાઈક પાસેથી ભાડે રાખી છે. આ હવેલી મેફેરની સૌથી મોટી પ્રોપર્ટીમાંથી એક છે. આનું ક્ષેત્રફળ લગભગ 25000 વર્ગફૂટ છે. આ સાથે એક ગેસ્ટ હાઉસ પણ છે અને હવેલીથી મેફેર વિસ્તારના એક સીક્રેટ ગાર્ડનમાં પણ જઈ શકાય છે. મેફેરનું સીક્રેટ ગાર્ડન માત્ર આ વિસ્તારના રહેવાસીઓ માટે જ છે. આ ડીલને સેન્ટ્રલ લંડનમાં લક્ઝરી હોમ માર્કેટ માટે બૂસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.
બ્રેક્ઝિટ અને કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લંડનમાં લક્ઝરી હોમ માર્કેટને આંચકો લાગ્યો છે. પ્રોપર્ટી ડેટા કંપની લોનરેસના ડેટા મુજબ, પૂનાવાલાએ જે મેન્શન ભાડે રાખ્યો છે, ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં ભાડાના દરો 9.2 ટકા ઘટ્યા છે.
આદર પૂનાવાલાનું બ્રિટન સાથે મજબૂત જોડાણ છે. તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિંસ્ટરથી અભ્યાસ કર્યો છે. અગાઉ, તે લંડનના મેફેયર વિસ્તારમાં આવેલી ગ્રોસવેનોર હોટલ ખરીદવા માંગતા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. 2016માં બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે બ્રિટન નિશ્ચિતરૂપે તે સ્થાન છે જ્યાં તેને પોતાનું બીજું ઘર જોઈએ છે.